Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ખોડલધામ ટ્રસ્ટ યોજીત વર્ચ્યુઅલ યોગા ઇવેન્ટને જબ્બર પ્રતિસાદ : લોકોએ ઘરે બેઠા કર્યા યોગા

પ્રથમ દિવસે હાસ્યરસ સાથે શરૂઆત : તજજ્ઞો દ્વારા માર્ગદર્શન : બીજા દિવસે લાઇવ યોગા : દિવ્યાંગ-સગર્ભા-બાળકો પણ ઉત્સાહભેર જોડાયા

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે  શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન અને ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ વર્ચ્યૂઅલ યોગા ઈવેન્ટ યોજવામાં આવી હતી. લોકો ઘરમાં રહીને યોગા કરી શકે અને તે અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવી શકે તે માટે સવારે ૬.૩૦ કલાકથી શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યૂટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર સમગ્ર કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો. યોગા ઉપરાંત ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર, લોકગાયક કલાકાર દ્વારા મા ખોડલની સૂર અને શબ્દોથી ભાવવંદના કરવામાં આવી હતી. બે દિવસીય વર્ચ્યૂઅલ યોગા મેગા ઈવેન્ટના પ્રથમ દિવસે એટલે કે યોગ દિવસના પૂર્વ દિવસે રવિવારે ગેસ્ટ સ્પીકર એશિયાના સુપ્રસિદ્ઘ ડોકટર સુજીત રાજન MD (Chest) DETRD, DNB (Resp. Med), મુંબઈ, દ્વારા પ્રી અને પોસ્ટ કોવિડ કેર અને રસીકરણથી લોકોને માહિતગાર કરાયા હતા. તેમજ બીજા ગેસ્ટ સ્પીકર દેશ અને વિદેશમાં લોકપ્રિય એવા હાસ્ય કલાકાર, લેખક, કવિ અને શિક્ષણ સાંઈરામ દવેએ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હેલ્થ મેનેજમેન્ટ વિશે જાણકારી આપી હતી. સોમવારના  વિશ્વ યોગા દિવસ નિમિતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ યોગા મેગા ઈવેન્ટમાં યોગાના નિષ્ણાત દ્વારા ફેસબુકના માધ્મયથી યોગાસન કરાવવામાં આવ્યા હતા. સવારે ૬.૩૦ કલાકથી વર્ચ્યુઅલ યોગા મેગા ઈવેન્ટનું લાઈવ પ્રસારણ કરાયું હતું. જેમાં અનેક લોકોએ લાઈવ જોડાઈને ઘરમાં રહીને યોગાસન કર્યા હતા. યોગાના નિષ્ણાત દ્વારા અલગ અલગ યોગાસન કઈ રીતે કરવા અને તેનાથી શરીરના અંગોને થતા ફાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. યોગા કરવાથી આપણે કઈ રીતે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહી શકીએ તેની માહિતી પણ આપવામાં આવી હતી. ખાસ કરીને હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં યોગા કેટલા ફાયદાકારક છે તે અંગેની માહિતી અપાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત વર્ચ્યૂઅલ યોગા મેગા ઈવેન્ટની ખાસ વાત એ હતી કે, યોગાના આ કાર્યક્રમમાં દિવ્યાંગ, સગર્ભા અને બાળકો દ્વારા યોગા અને પ્રાણાયમ કરીને લોકોને યોગ કરવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી. યોગા ઈવેન્ટ પૂર્ણ થયા બાદ ખ્યાતનામ હાસ્ય કલાકાર અને લોકગાયક કલાકાર દ્વારા મા ખોડલના સાનિધ્યમાં ભાવ વંદના કરવામાં આવી હતી. આમ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા યોગની સાથે સાથે હાસ્ય અને સૂરથી લોકોને શારીરિક અને માનસિક તંદુરસ્ત રાખવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વર્ચ્યૂઅલ યોગા મેગા ઈવેન્ટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની તમામ સમિતિઓ, સર્વ સમાજ, જ્ઞાતિ સંસ્થા, તમામ એસોસિએશન, શૈક્ષણિક સંસ્થાઓએ જોડાઈને સહકાર આપ્યો હતો. ગુજરાતના વિશ્વ વિખ્યાત લોક સાહિત્યકારો, સુપ્રસિદ્ઘ હાસ્યકારો, ભજનિકો, સુગમ સંગીતના કલાકારોએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

(4:29 pm IST)