Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સંતોની રવાડી સાથે રાત્રે ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો વિરામ

દિગંબર સાધુઓ સહિત સંતોની રવાડીનાં દર્શન માટે ભાવિકો તત્પરઃ તળેટી તરફનાં તમામ માર્ગો પર માનવ કિડીયારૂ, ભવનાથ વિસ્તાર ભાવિકોથી ભરપુર

જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

જુનાગઢ તા. ર૧ :.. ભવનાથમાં જીવ અને શિવનાં મિલન સમાન શિવરાત્રી મેળાના સમાપનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે. દિગંબર સાધુ સહિત સંતોની રવાડી બાદ મધ રાત્રે પાંચ દિવસનાં મેળાનું સમાપન થશે.

રવાડીનાં દર્શન માટે ભવનાથ  વિસ્તાર ભાવિકોથી ભરપુર થઇ ગયો છે. સોમવારથી  શરૂ થયેલ શિવરાત્રી મેળાનો આજે પાંચમો અને અંતિમ દિવસ છે આજે સાંજે સંતોની દિવ્ય રવાડી નીકળશે. જે માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ગઇકાલે મેળાની પુર્ણાહુતિની પૂર્વ સંધ્યાએ પણ તળેટીમાં હૈયે હેયુ દળાય એવી ભીડ જોવા મળી હતી. આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં ભાવિકોએ મેળાની મજા માણી છે.

આજે વહેલી સવાર સુધી વિવિધ ધાર્મિક જગ્યાઓ, આશ્રમો વગેરે ખાતે સંતવાણીની જમાવટ રહી હતી. આજે મેળાનો છેલ્લો દિવસ હોય તેથી મેળાની અંતિમ ક્ષણો માણવા અને રવાડીનાં દર્શન માટે સવારથી માનવ કીડીયારૂ તળેટીમાં ઉમટી પડયુ છે.

આજે પણ તળેટી તરફ માનવ મહેરામણનો પ્રવાહ વહેતા ગિરનાર દરવાજા - ભરડાવાવ ખાતેથી જ મેળામાં વાહનોના પ્રવેશ પર મનાઇ ફરમાવી દેવામાાં આવી છે જેના પરિણામે ગીરનાર દરવાજા,  મજેવડી દરવાજા રોડ, પાંજરાપોળ રોડ સહિત રસ્તાઓ પર વાહનોનાં થપ્પા લાગી ગયા છે.

મેળાનું મુખ્ય આકર્ષણ રવાડી આજે સાંજે નવનાથ મંદિર પાછળ આવેલ જુના અખાડા ખાતેથી નીકળશે. રવાડીને લઇ તેના રૂટ પર બેરીકેટ સહિતની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

દિગંબર સાધુઓ સહિતનાં સંતોની રવાડીના દર્શન અને સંતોનાં અંગ કસરતનાં વિવિધ દાવપેચ નિહાળવા માટે સવારથી ભાવિકોએ રવાડીનાં રૂટ પર બેઠક જમાવી દીધી છે.

વિવિધ  અખાડાનાં સંતો, મહાત્માઓની રવાડી ભવનાથનાં જુદા જુદા માર્ગો પર થઇને ભવનાથ મંદિરે પહોંચશે જયાં તમામ સંતો, મૃગી કુંડમાં સ્નાન કરી ભવનાથ દાદાની મહાઆરતી કરશે. આ પછી પાંચ દિવસનો શિવરાત્રી મેળો વિધિવત પૂર્ણ થશે.

રવાડી દરમ્યાન જરૂરી વ્યવસ્થા, કાયદો - વ્યવસ્થા અને સુરક્ષા જળવાય રહે તે માટે કલેકટર ડો. સૌરભ પારધી, ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર, મ્યુ. કમિ. તુષાર સુમેરા, એસપી સૌરભસિંઘ વગેરે દ્વારા ચુસ્ત પ્રબંધ કરવામાં આવ્યો છે.

(11:49 am IST)