Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

મોરબીની બેંકને લુંટી ગેંગ પંજાબ નાસી છુટવાની વેતરણમાં હતી!

ધોળા દિ'એ બેંક ઓફ બરોડામાં ૬.૪૪ લાખની મતાની લુંટ કરનાર પંજાબની લુંટારૂ ગેંગને હળવદ પોલીસે નાકાબંધીમાં ગણત્રીના કલાકોમાં દબોચી લીધીઃ પોલીસ કાર્યવાહીની ચોમેર પ્રશંસા : લુંટ કરનાર મનદીપસિંગ જાટ, અરૂણકુમારસિંઘ મજબી, બલવીરસીંગ ઉર્ફે ગોલી જાટ તથા સંદીપકુમાર ઉર્ફે રવીની ૭ હથીયાર સાથે ધરપકડ : પકડાયેલ લુંટારૂ ગેંગ પંજાબના ૪ જીલ્લાની બેંક રોબરી અને મર્ડરમાં વોન્ટેડ છેઃ લુંટારૂ ગેંગના સાગ્રીતો ડ્રગ્સ પણ સપ્લાય કરતા'તાઃ નાસી છુટેલ બે પૈકી એક શખ્સ મોરબીથી પરીચીત હોય બેંક લુંટનો પ્લાન ઘડયો'તો

તસ્વીરમાં હળવદ પાસેની સીમમાંથી પકડાયેલ લુંટારૂ ગેંગના સાગ્રીતો અને પોલીસ કાફલો નજરે પડે છે. બીજી તસ્વીરમાં લુંટારૂ ગેંગને ઝડપી લેવામાં મદદગારી કરનાર ગ્રામ્યજનો નજરે પડે છે. (તસ્વીરઃ દિપક જાની -હળવદ)

મોરબી, તા., ર૧: મોરબીમાં ગઇકાલે ધોળા દિ'એ બેંકને લુંટી લેનાર ૬ પૈકી ૪ શખ્સોને પોલીસે ગણત્રીના કલાકોમાં જ પકડી પાડી આકરી પુછતાછ હાથ ધરી છે. લુંટારૂ ગેંગને ગણત્રીના કલાકોમાં ઝડપી લેનાર પોલીસ ટીમ ચોમેર પ્રસંશા થઇ રહી છે. પકડાયેલ ગેંગ મોરબીની બેંકને લુંટી પંજાબ નાસી છુટવાની વેતરણમાં હતી પણ તે પુર્વે લુંટારૂ ગેંગના ૪ સાગ્રીતોને પોલીસે દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક ઓફ બરોડા અને દેના બેન્કની સંયુકત શાખામાં પાંચ શખ્શો બંદુક જેવા હથિયારો સાથે આવ્યા હતા જેને સિકયોરીટી ગાર્ડને માર મારી તેના હથિયારો પડાવી લીધા હતા અને બંદુક સાથે ફિલ્મી સ્ટાઈલથી બેંકમાં દ્યુસી સ્ટાફને બંધક બનાવ્યો હતો અને બેંકમાં રહેલ રોકડ રકમની લૂંટ ચલાવી નાસી ગયા હતા. દ્યટનાની જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમ બેન્કે દોડી ગઈ હતી અને દ્યટનાની તપાસ ચલાવી હતી તેમજ લૂટારૂઓને ઝડપી લેવા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરી હતા.

ધ્યાનમાં આવતા ૬ પૈકી ૪ લૂટારૂઓને હળવદ પોલીસે ઝડપી લીધા હતા.

ઘટના મામલે જોઈન્ટ મેનેજર મુરારીકુમાર ભુવનેશ્વર શર્માએ ફરિયાદ નોંધવી છે કે અજાણ્યા છ આરોપીઓએ કાવતરું રચી સફેદ કલરની સ્વીફટ ગાડીમાં આવી બેંકમાં પ્રવેશ કરી રિવોલ્વરો જેવા જીવલેણ હથિયારો ધારણ કરી તે હથિયારો ફરિયાદી મુરારીકુમાર શર્મા તથા સાહેદોને બતાવી મારી નાખવાનો ભય બતાવી બેંક ઓફ બરોડા બેંકના કેશિયર રમેશભાઈ ચાવડા પાસેથી બેન્કના રોકડા રૂ.૪,૪૫,૨૬૦, દેના બેંકના કેશિયર આમનાબેન બેલીમ પાસેથી દેના બેન્કના રોકડા રૂ.૧,૫૭,૮૪૦, બેંકના સિકયુરીટી અનિલભાઈને પડખામાં પાટું મારી મુંઢ માર મારી તેમની પરવાના વાળી બારબોલ ગન કીમત રૂ.૧૦,૦૦૦, તેમનો ઓપો કપનીનો મોબાઈલ કીમત રૂ.૫૦૦૦, બેંકમાં ઓડીટમાં આવેલ રાજકુમાર વર્મા પાસેથી વિવો કંપનીનો મોબાઈલ કીમત રૂ.૫૦૦૦, બેંક ઓફ બરોડાના સબ સ્ટાફ સંજયભાઈ પાસેથી રૂપિયા ૬૫૦૦,એટીએમ કાર્ડ,આધાર કાર્ડ તથા બેન્કના ક્રેડીટ ઓફિસર પ્રગ્નેશભાઈ પાસેથી મોટો રોલા કંપનીનો મોબાઈલ કીમત રૂ.૫૦૦૦, બેંકમાં આવેલ ગ્રાહક રવિભાઈ પાસેથી ઓપો કંપનીનો મોબાઈલ કીમત રૂ.૫૦૦૦ તેમજ દેના બેંકનું એરટેલ કંપનીનું મોડેમ કીમત રૂ.૫૦૦૦ એમ કુલ મુદમાલ કીમત રૂ.૬,૪૪,૬૦૦ ની લુટ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે

દરમિયાન લૂંટારૂઓ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં ભાગ્યા છે. તેવી હિન્ટ સમગ્ર જિલ્લાના પોલીસને મળી હતી. જેના પગલે હળવદ પોલીસના જવાનો અરવિંદભાઈ ઝાપડીયા, અરજણભાઈ ભરવાડ, ભરતભાઇ આલ, વિક્રમભાઈ સિહોરા સહિતના ખાનગી ગાડીમાં પેટ્રોલીંગ પર નીકળ્યા હતા. તેઓ હળવદમાં મોરબી ચોકડી પાસે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર જોતા જ સતર્ક બની ગયા હતા. સામે લૂંટારૂઓએ પણ પોલીસના ડ્રેસમાં જવાનોને જોઈને કારને યુ ટર્ન લગાવ્યો હતો. બાદમાં ફિલ્મી ઢબે પોલીસ જવાનોએ લૂંટારૂની કારનો પીછો કર્યો હતો. લૂંટારૂઓ હરીદર્શન હોટેલ પાસેથી કેનાલવાળા રસ્તે થઈને મેંરૂપર ગામ, ત્યાંથી ગોલાસણ, સરા, સુંદરીભવાની અને ત્યાંથી ચુપણી ગામે પહોંચ્યા હતા. જયા તેઓએ ચુપણી અને રામપરાની વિડમાં પહોંચીને સ્વીફ્ટ કારને રેઢી મૂકી દીધી હતી.અને નાજાભાઈ નામના માલધારીની વાડીમા વાવેલી મકાઈમાં સંતાઈ ગયા હતા. બાદમાં પોલીસે પણ ત્યાં પહોંચીને ચારેય લૂંટારૂઓને દબોચી લીધા હતા. જો કે આ કામગીરીમાં સ્થાનિકોએ પણ પોલીસને ભરપૂર સહયોગ આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

દરમિયાન બેંકને લુંટી લેનાર લુંટારૂ ગેંગના મનદીપસીંગ પાલસીંગ જાટ (ર) બલવીરસિીંગ ઉર્ફે ગોલી જોગદીરસિંઘ જાટ (૩) અરૂણકુમાર સિંઘ લાલચાદ મજબી તથા (૪) સંદીપકુમાર ઉર્ફે રવી ગુરૂમલસિંઘ ગુજ્જુરને હળવદ પોલીસે દબોચી લઇ મોરબી બી ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો. પકડાયેલ ચારેય શખ્સો પાસેથી છ પિસ્તોલ તથા સિકયુરીટી ગાર્ડનું લુંટી લીધેલ હથીયાર પણ પોલીસે કબ્જે કર્યુ છે.

દરમિયાન પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ લુંટારૂ ગેંગ મોરબીની બેંકની લુંટી પંજાબ નાસી છુટવાની વેતરણમાં હતી પણ હળવદ પાસેથી પોલીસે દબોચી લીધા હતા.

પકડાયેલ લુંટારૂ ગેંગના ચારેય સાગ્રીતો પંજાબના ત્રણ જીલ્લાની બેંક રોબરી તથા મર્ડરના ગુન્હામાં વોન્ટેડ છે. એટલું જ નહી પકડાયેલ લુંટારૂ ગેંગના સાગ્રીતો પંજાબમાં ડ્રગ્સ વેચવાના ગુન્હામાં પણ પકડાઇ ચુકયા છે.

લુંટારૂ ગેંગના નાસી છુટેલ બે સાગ્રીતો પૈકી એક શખ્સ ડ્રાઇવર છે અને મોરબીથી પરીચીત હોય અન્ય સાગ્રીતો સાથેમળી મોરબીની બેંકની લુંટનો અંજામ આપ્યો હતો.

પકડાયેલ લુંટારૂ ગેંગના ચારેય સાગ્રીતોની આકરી પુછતાછ હાથ ધરાઇ છે. વધુ તપાસ બી ડીવીઝનના ઇન્ચાર્જ પી.આઇ. આર.ટી.વ્યાસ ચલાવી રહયા છે.

(11:47 am IST)