Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે પૂ.જલારામબાપા રામકિશોરદાસબાપુની મુર્તિનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પંજાબ-હરિદ્વાર-અયોધ્યાથી સાધુ સંતો પધાર્યા શોભાયાત્રામાં સાધુ મહાત્માઓ દ્વારા જૂદા જૂદા દાવ પેચ રજૂ કર્યા

 વાંકાનેર તા.૨૧ : વાંકાનેરના સુપ્રસિધ્ધ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વ વંદનીય સંત શિરોમણી પ.પુ.શ્રી જલારામ બાપા તથા મંદિરના દેવગત અનંત વિભુષીત સદગુરૂદેવ શ્રી રામકિશોરદાસજી બાપુ દિવ્ય મુર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તા. ૧૮ થી ૨૦ ૩ દિવસ સુધી ધામધૂમપુર્વક સંપન્ન થયો છે.

રાત્રે મંદિરના વિશાળ પટાંગણમાં રામનાથ કે હીરે મોતીના આરાધક પ્રસિધ્ધ ગાયક અશોકભાઇ ભાયાણી સાથે સાજીંદાઓએ મોડી રાત્રી સુધી ધૂન ભજનની જમાવટ કરી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેલ હતા. તા. ૧૯ના સાંજે ૪ કલાકે સમિર ટ્રેડર્સે વાળા વિનુભાઇ લાખાણીના નિવાસ સ્થાને દેના બેંક પાસેથી ઢોલનગારા અને કેસીયો પાર્ટીના સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઇ હતી.

જેમાં પુ.જલારામબાપા તથા સદગુરૂદેવ રામકિશોરદાસજીબાપુની દિવ્ય મુર્તીઓ સાથેના બંને રથ ઉપરાંત હરિદ્વાર, પંજાબ, અયોધ્યા ઉપરાંત વાંકાનેર શહેર અને આસપાસના મંદિરોના સંતો મહંતો જૂદી જૂદી જ્ઞાતિ અને સંસ્થાના અગ્રણીઓ ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં હરીદ્વારથી પધારેલ સંતો, તલવાર, લાકડી, ચકકર સાથે અંગ કસરતના દાવ પેચો રજૂ કરેલ હતા આંખે પાટા બાંધી હાથમાં નાળીયેર લાકડી વડે ફોડવા પગની પેની અને ડાઢી નીચે બટેટુ રાખી તલવારના દાવપેચ સાથે બટેટાના બે કટકા કરવા જેવા હેરતભર્યા દ્રશ્યો નગરજનોએ પ્રથમ વખત માણ્યા હતા.

વાજતે ગાજતે અને ભગવાનની જય જય કાર સાથેની શોભાયાત્રા માર્કેટચોક, ચાવડીચોક, દરબારગઢ રોડ, રામચોક, પ્રતાપ ચોક, દિવાનપરા, જડેશ્વર રોડ થઇ રાત્રે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે પહોચેલ હતી જયા મુર્તિઓનુ પૂજન, ધાન્યાધીવાસ સહિતના પાવન કાર્ય સંપન્ન થયેલ.

તા.૨૦ ને પૂ.રામકિશોરદાસજી બાપુની ૧૨મી પુણ્યતીથીએ સવારે સદગુરૂદેવનું પૂજન અર્ચન હવન કર્યા બાદ બપોરે એક વાગ્યાથી મહાપ્રસાદનો પ્રારંભ થયેલ જેમાં સાત હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કરેલ હતો.

આ ત્રિદિવસીય પ્રસંગને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટી કાનજીભાઇ પટેલ (પટેલબાપુ)ની દેખરેખ હેઠળ શ્રી ફળેશ્વર મંદિર સેવા સમિતિ અને સર્વે ગુરૂભકતો સેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:47 am IST)