Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રાજુલામાં લૂંટ છેડતી તથા રોમીયોગીરીના વધતા બનાવોઃ શહેરમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માગણી

રાજુલા તા ૨૧  : શહેરનો વિસ્તાર છેલ્લા ઘણાંજ વર્ષોથી વધ્યો છે. શહેર વિસ્તારમાં ઠેર ઠેર વેપાર-ઉદ્યોગ માટે કોમ્પલેક્ષો ખડકાયા છે. રાજુલા-હિંડોરણાના માર્ગ ઉપર બસસ્ટેન્ડથી હવેલી ચોક, મોચીર ચોક સુધીના મુખ્ય માર્ગ ઉપર અને સ્વામીનારાયણ માર્ટ, જવાહર રોડ, કૃષ્ણકુમારસિંહજી રોડ, રાજુલાનો એસ.બી.આઇ રોડ વચ્ચે શાકમાર્કેટ દિવસભર ટ્રાફિકથી ધમધમતા રહે છે. મુખ્ય માર્ગો પાસેથી પસાર થતી ગલીઓમાં વેપાર-ઉદ્યોગ વિકસી રહયો છે, તે રીતે રાજુલાની હાર્દ સમી રેસીડન્સ સોસાયટીઓનો વ્યાપ પણ વધ્યો છે, ભેરકાઇ રોડ, સવિતાનગર સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, ધર્મરાજ સોસાયટી, ગોકુલનગર સોસાયટી સહીતની દોઢેક ડઝન સોસાયટીઓમાં માનવ વસ્તીઓ વસવાટ ઝડપભેર વધી રહયો છે. આ ન્યારી મોટો વિકસીત વિસ્તાર, શહેર હોવા છતાં આ શહેરમાં સી.સી.ટી.વી કેમેરા કયાંય પણ લગાવાયા ન હોય તેઓ લાભ પણ એન્ટીસોશ્યલ એલીમેન્ટ પુરેપુરો લે છે.

મુખ્ય બજારોમાં કે પછી ખાંચા ગલીઓમાં આવેલી દુકાનોમાં ચોરી, લૂંટ ની ઘટનાઓ ભુતકાળમાં અનેકવાર બની ચુકી છે. કેટલાય ગુન્હાઓ આજદિન સુધી વણ ઉકેલ રહયા છે, તેવીજ હાલત સોસાયટી વિસ્તારોની છે, અહીં વારંવાર લૂટ, છેડતી, રોમીયાગીરીની ફરિયાદો છે, પરંતુ ડરપોક માનસ અને સી.સી.ટી.વી કેમેરા ના અભાવે આવા કૃત્યો આચરનારા લુખ્ખાઓ બેફામ બન્યા હતા, તેઓને કોઇ ઝડપી શકતુ નહી. આ અંગેની સઘળી રજુઆતો રાજુલાના વેપારી વર્ગ, મહીલા મંડળો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, શહેરના અનેકવિધ અગ્રણીશ્રીઓ એ રાજુલાના કાર્યદક્ષ ધારાસભ્ય અંબરીષ ડેર સમક્ષ રજુઆત કરી કે સમગ્ર રાજુલા શહેરના મુખ્ય માર્ગો, વિવિધ સોસાયટીઓમાં જે વારંવાર અવિરત ઘટનાઓ બને છે તેની ઉપર રોક લગાવવા અને આવી પ્રવૃતિઓ જે કોઇ ઇસમ કે ઇસમો દ્વારા આચરવામાં આવતી હોય તેને કેમેરામાં મઢી લેવા, શહેરભરના મુખ્ય માર્ગો, મહત્વપૂર્ણ સોસાયટીઓમાં જો સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવે તો કોઇપણ  લુખ્ખો લુખ્ખાગીરી કરતા પણ સો વાર વિચારશે, એટલું જ નહી પણ આવી પ્રવૃતિ કરશે તો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ જશે અને તેન પકડવામાં પોલીસને ચારે કોર ફાંફા મારવા પડશે નહીં.

શહેરની એકાદ લાખ જેટલી માનવ વસ્તી સહી સલામત રીતે રહી શકે, બહેન દીકરીઓ નિયમીત કોઇના ભય વિના શાળા, કોલેજે જઇ શકે, શાંતિમય જીવન જીવી શકે, લુખ્ખાઓની કોઇ રંજાડ ને અવકાશ ન રહે તે માટે ધારાસભ્ય અંબરીષભાઇ ડેર વિધાનસભા ગૃહમાં રાજયના ગૃશમંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રાજુલામાં બનતી ઉપરોકત ઘટનાઓ વર્ણવી શહેરભરમાં સી.સી.ટી.વી. કેમેરા મુકાવવા માટેની અસરકારક રજુઆત કરી હતી. રાજય સરકારે પણ આ શહેરમાં આ અતિ સંવેદનશીલ પ્રશ્ને સકારાત્મક વિચારી 'વિશ્વાસ પ્રોજેકટ' નીચે રાજુલા શહેરને સી.સી.ટી.વી. કેમેરાથી મઢી લેવાનો ધારાસભ્યની રજુઆત સ્વીકાર લીધી અને રાજયના સચિવશ્રી બ્રિજેશકુમાર ઝા એ અંબરીષભાઇને એક પત્ર લખીને જણાવ્યું છે કે તમારી રજુઆત સરકારશ્રીએ સ્વીકારી છે અને માર્ચ-૨૦૨૦માં 'વિશ્વાસ પ્રોજેકટમાં આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજુલા શહેરભરમાં આ વાતની જાણ થતાં શહેરીજનો, વિદ્યાર્થીનીઓ, મહીલા  મંડળો, વેપારી વર્ગમાં રાજીપો છવાયો છે.

(11:36 am IST)