Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જસદણ થી આટકોટ ફોર ટ્રેક રોડનું કેબિનેટ કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ખાતમુર્હુત

જસદણ,તા. ૨૧: જસદણથી આટકોટ સુધીનો ફોર લેન રોડ બનાવવાના કામનું પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

જસદણ પંથકના લોકો શૈક્ષણિક, ધંધાકીય, મેડિકલ સહિતની બાબતોમાં રાજકોટ સાથે જોડાયેલા છે જસદણથી રાજકોટ જવા માટે આટકોટ થી રાજકોટ સુધીનોઙ્ગ સારો રસ્તો છે પરંતુ જસદણથી આટકોટ સુધીનો રસ્તો અતિ બિસ્માર હતો. કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાના પ્રયત્નોથી જસદણથી આટકોટ સુધીના રોડ માટે રૂપિયા બાર કરોડ મંજૂર થતા તાજેતરમાં આ રસ્તાના કામનું ખાતમુર્હુત પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે યોજાયું હતું. આ પ્રસંગે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા, જસદણ ભાજપના પ્રભારી અશોકભાઈ મહેતા, નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત કર્યા બાદ સમારોહમાં સંબોધન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આટકોટ જસદણ રોડ વધારે ટ્રાફિક વાળો હોવાથી આ રોડ ખૂબ જ સારી ગુણવતા વાળો બનાવવા અને ઝડપથી કામ પૂર્ણ કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે. આ રોડનું કામ પૂર્ણ થતાં રાહદારીઓ અને વાહનચાલકોને સુરક્ષિત મુસાફરી નો લાભ મળશે. ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાએ આટકોટ જસદણ રોડ બનાવનાર કોન્ટ્રાકટરને ટેકનિકલ બાબતોનો ખૂબ જ જવાબદારી પૂર્વક ધ્યાન રાખી સારો રોડ બનાવવા જણાવ્યું હતુ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.સંજયભાઈ સખીયાએ અને આભાર વિધિ ખોડાભાઈ ખસિયાએ કરી હતી. જસદણ યાર્ડના ડિરેકટર પ્રેમજીભાઈ રાજપરા, જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધીરૂભાઇ ભાયાણી, દેવશીભાઇ ખોખરીયા, અરૂણભાઇ વદ્યાસિયા, ચંદુભાઈ કચ્છી, જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ દીપુભાઈ ગીડા, દુર્ગેશભાઇ કુબાવત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઇ છાયાણી, પંકજભાઈ ચાવ, બાબુભાઇ ભવાની સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

(11:27 am IST)