Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મોરબીના લાતીપ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી વેપારીઓ ત્રાહિમામ :ખાડાથી પણ અનેક અકસ્માતો

ગટરના પાણીને પગલે રોડ પર ગાબડા : સતત પાણી ભરાતા રોગચાળાની ભીતિ

મોરબી :શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યા અનેક વિસ્તારોમાં જોવા મળે છે જેમા રહેણાંક વિસ્તાર કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ બાકાત નથી આવી જ સ્થિતિ લાતીપ્લોટની જોવા મળે છે જ્યાં છેલ્લા એકાદ માસથી ઉભરાતી ગટરની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ચુક્યા છે

મોરબીના અનેક રહેણાંક વિસ્તારોમાં ઉભરાતી ગટર મામલે સ્થાનિકોના મોરચા પાલિકા કચેરીએ જોવા મળતા હોય છે તો સાવસર પ્લોટ જ્યાં શહેરની મુખ્ય હોસ્પિટલો આવેલી છે તે વિસ્તારમાં પણ ગટરની ગંદકી ખદબદતી જોવા મળે છે આવી જ હાલત ઇન્ડસ્ટ્રીયલ એરિયા એવા લાતીપ્લોટની જોવા મળે છે

મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૯ પાસે છેલ્લા એકાદ માસથી ગટર ઉભરાતી હોવાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે જે ગંદકીથી રોગચાળાની ભીતિ સેવાય છે ઉપરાંત ગટરના પાણીને પગલે રોડ પર ગાબડા પડ્યા હોય જેથી અનેક વાહનચાલકો ફસાય છે તેમજ નાના મોટા અકસ્માતો પણ સર્જાતા રહે છે

(1:12 am IST)