Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મોરબીઃ મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ

 મોરબીઃ તાલુકાના ભરતનગર અને વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે એમ બે મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ મોરબી ખાતે યોજાયો હતો.જેમાં  જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના હસ્તે રિબિન કાપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, નાયબ પશુપાલન નિયામક ડો. ડી.એ. ભોરણીયા તેમજ જિલ્લા પંચાયત ના અધિકારી ઓ તથા પદાધિકારિઓ એ આ મોબાઇલ પશુ દવાખાનાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. તેમજ પરાગ ભગદેવે મોબાઇલ પશુ દવાખાનાની ગાડીની ચાવી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. માણસને બચાવવા જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ છે તેમ હવે પશુઓની સારવાર માટે હવે રાજય સરકારે ૧૯૬૨ મોબાઇલ વાન શરૂ કરી છે. જેનાથી આપણા પશુપાલકોને ઘરે બેઠા જ બિમાર પશુઓના નિદાન-સારવાર અને ઓપરેશન કરવામાં આવશે. જેનાથી અનેક પશુઓનું જીવન બચી શકશે અને પશુઓને લાંબુ  અને નિરોગી આયુષ્ય પ્રાપ્ત થશે. આમ ગુજરાતના પશુ ચિકિત્સાક્ષેત્રે રાજય સરકારે સંવેદનાસભર નિર્ણય લીધો છે. જેનાથી ગુજરાતની પશુપાલન પ્રવૃતિ ફુલશે-ફાલશે. પશુપાલકો સમૃધ્ધ બનશે. હજુ પણ બીજા ૮ મોબાઇલ પશુ દવાખાના મોરબી જિલ્લાને પ્રાપ્ત થશે.આ હરતા ફરતા પશુ દવાખાનાથી મોરબી જિલ્લાના ૧૦૦ ગામોમાં પશુઓને આરોગ્ય લક્ષી સારવાર વિનામૂલ્યે ઘરે જ મળશે. જિલ્લાના ૧૧૧૦૦૦ પશુઓને આ સેવાનો લાભ પ્રાપ્ત થશે. આ ૧૦  હરતા ફરતા પશુ દવાખાના ટંકારા તાલુકાના સજનપર અને ટંકારા, માળિયા તાલુકાના માણાવા, વવાણિયા અને મોટીબરાર, મોરબી તાલુકાના રંગપર, ભરતનગર અને લાલપર, વાંકાનેરના ભલગામ અને હળવદના રણમલપુર ગામે આપવામાં આવશે.આ કાર્યક્રમમાં ડો. ડી.એ. ભોરણીયા નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામક સહિતના અધિકારી-કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.મોબાઇલ પશુ દવાખાનાના લોકાર્પણની તસ્વીર.

(11:52 am IST)