Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વરસાદ વરસતો નથી : બેફામ બફારાથી લોકો ત્રાહીમામ

આખો દિવસ ધુપ-છાંવના માહોલ સાથે કોઇ જગ્યાએ માત્ર હળવો વરસાદ પડે છે : સાર્વત્રિત વરસાદની રાહ

પ્રથમ તસ્વીરમાં સૂત્રાપાડા પંથકમાં મુરઝાતી મોલાત બીજી તસ્વીરમાં મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલ વરસાદ અને ત્રીજી તસ્વીરમાં જસદણ પંથકમાં ધુપ-છાંવ નજરે પડે છે. (તસ્વીરઃ રામસિંહ મોરી (સુત્રાપાડા), પ્રવિણ વ્યાસ (મોરબી), હુસામુદ્દીન કપાસી (જસદણ)

રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો છે. સાર્વત્રિક વરસાદના બદલે કયાંક-કયાંક હળવો વરસાદ વરસી જાય છે. ત્યારે લોકો પણ સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહ્યા છે.

આવા માહોલ સાથે આખો દિવસ અસહ્ય બફારાથી લોકો ત્રાહીમામ પોકારી જાય છે અને મહત્તમ તાપમાનનું પ્રમાણ વધી જાય છે.

રાજયના મોટા ભાગના વિસ્તારોમાં કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો જેના લીધે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉપરાંત નૈઋત્ય પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેથી લોકો બફારાથી બેહાલ થઇ ગયા છે. રવિવારે ૩૯.૮ ડીગ્રી સાથે સુરેન્દ્રનગર રાજયનું સૌથી હોટ શહેર બન્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, નૈઋત્ય ચોમાસુ રાજયમાં શરૂ થઇ ચૂકયું છે. આગામી ૩૦મીના રોજ રાજયના સૌરાષ્ટ્ર-કચ્છ, દાદરાનગર હવેલી, દાહોદ, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત રાજયના કેટલાક ભાગોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

સતત બીજા દિવસે રાજયના વિવિધ શહેરના તાપમાનમાં એકથી ચાર ડીગ્રી સુધી વધારો થયો હતો. રવિવારે રાજયના વિવિધ શહેરના તાપમાન ૩૭ ડીગ્રીની આસપાસ રહ્યું હતું. ઉપરાંત હવામાં પણ ભેજનું પ્રમાણ સામાન્યથી વિશેષ રહેતા લોકોએ કાળઝાળ ગરમી સાથે અસહ્ય બફારો સહન કરવો પડયો હતો. જોકે, મોડી સાંજે ઠંડો પવન ફૂંકાતા લોકોને ગરમી-બફારાથી છુટકારો મળ્યો હતો. આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાય તો લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેમ છે. ત્યારે વરસાદ કયારે આવે છે તે જોવાનું રહ્યું.

રવિવારે અમદાવાદ ૩૮.૭ ડીગ્રી, ડીસા ૩૯, ગાંધીનગર ૩૭.પ, વીવીનગર ૩૬.પ, વડોદરા ૩૭.૮, સુરત ૩૪, અમરેલી ૩૭.૬, ભાવનગર ૩૭.૧, પોરબંદર ૩પ, રાજકોટ ૩૯.૭, મહુવા ૩૪, કેશોદ ૩પ.ર, નલિયા ૩પ.૯ અને કંડલા પોર્ટનું મહત્તમ તાપમાન ૩૮.પ ડીગ્રી નોંધાયું હતું.

સુત્રાપાડા

 સુત્રાપાડા : સુત્રાપાડા તાલુકામાં શરૂઆતથી વરસાદ અછો થતાં જ ધરતી પુત્ર ચિંતામાં હતાં. જયારે વરસાદ ખેંચતા મોલાત મુરઝાઇ રહી છે અને ખેડૂતો તેને બચાવવા માટે હેરાન થઇ રહ્યા છે. હાલ વરસાદને બદલે પડી રહેલા આકરા તાપથી રોજે રોજ પાકનું જોખમ વધી રહ્યું છે. શરૂઆતમાં થોડા દિવસ હળવા ઝાપટા પડયા હતાં અને હવે તો એકાદ સપ્તાહથી માત્ર વાદળો ઘેરાય છે પરંતુ બાદમાં વિખેરાઇ જાય છે અને આકરો તડકો પડી રહ્યો છે જેના લીધે હાલ મોલાત મુરઝાઇ રહી છે. ત્યારે સુત્રાપાડા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુંજણમાં મૂકાયા છે.

જસદણ

જસદણ : જસદણના નાગરિકો લાંબા દિવસોથી અત્યંત બફારાથી પરેશાન છે ત્યારે આજે સોમવાર સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આકાશમાં જાણે સૂય ર્નારાયણદેવ સંતાકુકડી રમી રહ્યાં હોય એવો ઘાટ સર્જાયો હતો. વરસાદ તૂટી પડે એવી લોકોમાં મનોકામના છે.

મોરબી

મોરબી : અસહ્ય ગરમી અને ઉાળાટ વચ્ચે મોરબીના ગ્રામ્ય પંથક તેમજ મોરબી-વાંકાનેર હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોરબીના લાલપર, જાંબુડીયા, રફાળેશ્વર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અને મોરબી વાંકાનેર હાઇવે પર સારો વરસાદ વરસ્યો હતો.

(10:32 am IST)