Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સાવરકુંડલાના ગોરડકામાં કોરોનાથી યુવકનું મોત : અમરેલી જિલ્લામાં બે દિ'માં ૨૦ કેસ

સુરતથી આવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો'તો : અમરેલી જિલ્લામાં મહામારીએ છઠ્ઠો ભોગ લીધો

અમરેલી તા. ૨૯ : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે ચાલીસ વર્ષના યુવક બટુકભાઇ જેરામભાઇ બલદાણીયાનો કોરોનાએ ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. ગઇકાલે ૧૦ પોઝીટીવ કેસ બાદ આજે વધુ ૧૦ કેસ નોંધાતા બે દિવસમાં ૨૦ કેસ નોંધાયા છે.

આજે બીજા દિવસે હજીરાધાર, લાઠી, નારાયણનગર, અમરેલી, સાવરકુંડલા, નારાયણગઢમાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે સુરતથી આવેલા ચાલીસ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેમનું આજે મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમરેલી જિલ્લામાં એકસાથે કોરોનાના ૧૦ઙ્ગ કેસ નોંધાયા હતા. આ સાથે મૃત્યુઆંક ૬ થયો છે. ધીમે ધીમે અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ વધતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

જીલ્લામા હવે કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે, દરરોજ ૨-૩ પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે, તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લઈ કોરોનાને અટકાવવા રાઉન્ડ ધ કલોક જહેમત ઉઠાવાઈ રહી છે. ગઈકાલ શનિવારના રોજ ૩ કેસ નોંધાતા જીલ્લામા પોઝિટીવ કેસનો આંક ૬૦ પર પહોંચ્યો હતો.

ત્યારે આજે રવિવારનાના રોજ અમરેલી જીલ્લામા કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામા બ્લાસ્ટ થયો હોય તેમ એકીસાથે ૧૦ પોઝિટીવ કેસ નોંધાતા જીલ્લા તંત્ર વધુ સક્રિય બની કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવા સહિત અન્ય લોકોને કવોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.

કાલે અમરેલીના માણેકપરા, જેસીંગપરા, ઉપરાંત અમરેલી જિલ્લાના રંગપુર, ઈશ્વરીયા, ગાવડકા તથા લાઠી, સાવરકુંડલા, ધારી માં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઙ્ગઅમરેલી જીલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા દિવસ, રાતની કરાતી મહેનત એળે ન જાય તે માટે 'લોકજાગૃતિ' એ જ સરળ ઉપાય સચેત સાબિત બની રહેશે. તંત્ર દ્વારા ફરજીયાત માસ્ક, સોસિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝરનો ઉપયોગ જેવી બાબતો પર ભાર મુકવામા આવી રહ્યો છે તેને ફોલો કરી સહયોગ આપવો જરૂરી બન્યો છે.

(1:07 pm IST)