Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

બનેવીએ સાળીને ભગાડેલ : માંગુ નાખેલ પણ ના પાડતા પ્રેમિકાને નસાડી ગયેલ : ચાર પ્રેમી પંખીડા ઝડપાયા

જૂનાગઢ પોલીસે બે કિસ્સાનો ઉકેલ કર્યો : એક આરોપીને રાજકોટમાં ઝડપી લીધો, તો બીજો સામેથી હાજર થઇ ગયો

જૂનાગઢ તા. ૧૩ :  શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તા. ૩૦-૧-૨૦૨૦ના ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી શબ્બીર યાસીનભાઈ સોલંકી (રહે. હેઠાણ ફળીયા, જૂનાગઢ) અપહરણ કરી લઇ ગયેલ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ અન્ય ફરિયાદીની સગીર વયની યુવતીને આરોપી રાહુલ મનુંભાઈ કુવરીયા કોળી રહે. જેતપુર, નવાગામ ધાર જી. રાજકોટ અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે બંને ફરિયાદી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની અલગ અલગ બે ફરિયાદો દાખલ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબેશનર ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ રાજેન્દ્ર મહેતા, વી.કે.ઉંજિયા, હે.કો. વિકાસભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, પો.કો. ભૂપતસિંહ, દિનેશભાઇ, ભરતભાઇ, અનકભાઈ, વનરાજસિંહ, સુભાષભાઈ, ભાવસિંહ, મહિલા પો.કો. જાગૃતિબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ તપાસ દરમિયાન બંને ગુન્હાના આરોપીઓના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમિયાન એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, આરોપી શબ્બીર સોલંકી ભોગ બનનાર સગીરા સાથે રાજકોટ બસ સ્ટેશન પાસે આવનાર છે, જે મળેલ બાતમી આધારે પ્રદીપસિંહ જાડેજાએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ એસ.વી.સાંખરા, પો.કો. હિરેનભાઈ સહિતના સ્ટાફનો સંપર્ક કરી, જૂનાગઢ પોલીસ ટીમની મદદમાં રહી, આરોપી શબ્બીર તથા ભોગ બનનાર સગીરાને પકડી પાડી, એ જ રીતે અન્ય અપહરણના ગુન્હાના આરોપી રાહુલ કોળીના સગા સંબંધીઓની પૂછપરછ કરી, આરોપી ઉપર દબાણ કરવામાં આવતા, આરોપી રાહુલ મનસુખભાઈ કુવરીયા ઉવ. ૨૪ રહે. જેતપુર  સામેથી ભોગ બનનારને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન હાજર થઈ જતા, તેની પણ ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ રાજેન્દ્ર મહેતા, વી.કે.ઉંજિયા, હે.કો. વિકાસભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, પો.કો. ભૂપતસિંહ, ભાવસિંહ, મહિલા પો.કો. જાગૃતિબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી શબ્બીર યાસીનભાઈ સોલંકી અને ભોગ બનનાર સાળી બનેવી થાય છે. આમ, સગા બનેવી દ્વારા સાળી નું અપહરણ કરવામાં આવેલ હતું.

જયારે પકડાયેલ આરોપી રાહુલ મનસુખભાઈ કુંવરિયા તથા ભોગ બનનારને પ્રેમ સંબંધ હોઈ, પરંતુ લગ્ન કરવા માટે સગીરાના પરિવારમાં માંગુ નાખતા, પરિવારના સભ્યો ના પાડતા હોઈ, આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.

(12:58 pm IST)