Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

'રાજાઓના રાજા' ગણાતા ખેડૂતોએ જૈવિક પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ રાજ્યપાલ દેવવ્રતજી આચાર્યજીની અપીલ

ભુજ ખાતે પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની તાલીમ કાર્યશાળામાં રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ખેડૂતોની વિશાળ હાજરી

ભુજ, તા.૧૩:: ગુજરાતના રાજયપાલશ્રી દેવવ્રત આચાર્યજીએ રાજયના ખેડૂતોને 'રાજાઓના રાજા' ગણાવતા કહ્યું હતું કે રાજયના ખેડૂતોએ જૈવિક અને પ્રાકૃતિક ખેતી અવશ્ય અપનાવવી જ જોઈએ.

રાજયપાલશ્રી આચાર્યજીએ સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતીમાં જોડાવા બદલ રાજયના ખેડૂતોને અભિનંદન આપ્યા હતા અને કૃષિ સાથે પશુપાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવવા માટે ખેડૂતોને વિશેષ અનુરોધ કર્યો હતો. ૨૦૦ એકર જમીનમાં ૩૦૦થી વધુ દેશી ગાયોથી પ્રાકૃતિક ખેતી કર્યાનો પોતાનો અંગત અનુભવ રાજયપાલશ્રીએ ખેડૂતો સમક્ષ વર્ણવ્યો હતો અને તેનાથી થતા ફાયદાઓ વિસ્તારપૂર્વક રજુ કર્યા હતા.

કચ્છ જિલ્લામાં મહિલા સશકિતકરણની પરિસ્થિતિ અંગે રાજયપાલશ્રીએ પૂર્ણ સંતોષ વ્યકત કર્યો હતો દેશી ગાય અંગે પોતાનું જ્ઞાન નમ્રપણે પ્રગટ કરતાં રાજયપાલશ્રીએ દરેક દ્યરમાં એક દેશી ગાય અચૂકપણે રાખવા માટે નાગરિકોને હ્રદયપૂર્વકનો અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલા ખેડૂતો તેમનુ જ્ઞાન અન્ય ખેડૂતો સુધી પહોંચાડે, તે બાબત પર રાજયપાલશ્રીએ ખાસ ભાર મૂકયો હતો.

જિલ્લા વહીવટીતંત્ર અને 'આત્મા'પ્રોજેકટ દ્વારા સંયુકતપણે ટાઉનહોલ ખાતે આયોજિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની તાલીમ કાર્યશાળામાં રાજયપાલશ્રી સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. રાજયપાલશ્રીએ દિપપ્રાગટ્યથી કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો.

'આત્મા' પ્રોજેકટના સ્ટેટ નોડલ ઓફીસર શ્રી ડી.કે પંચાલે સ્વાગત પ્રવચનમાં રાજયભરમાં ચાલી રહેલી પ્રાકૃતિક ખેતી અંગેની કામગીરીની રૂપરેખા આપી હતી. ધારાસભ્યશ્રી નીમાબેન આચાર્યએ પ્રાસંગિક પ્રવચનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરોએ તેમના અનુભવો વિશે ઉપસ્થિતો સાથે ખુલ્લા મને વાતચીત કરી હતી. પ્રાકૃતિક ખેતી અંગેની એક ડોકયુમેન્ટ્રી ફિલ્મનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર્સનુ શીલ્ડ અને સર્ટિફિકેટ આપી બહુમાન કર્યું હતું.

        આ પ્રસંગે કલેકટર શ્રીમતી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લતાબેન સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. આર. જોશી, કૃષિ વિભાગના અધિકારીઓ શ્રી આશિફ ચૌધરી, ઉપેન્દ્ર જોશી અને ડી.એમ.મેરઠ, બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(11:52 am IST)