Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સુરેન્દ્રનગર પાલિકાની ડમ્પિંગ સાઇટ પર કચરો સગળાવવામાં આવતો હોવાની રાવ

વઢવાણ,તા.૨: સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરમાંની એકઠો કરવામાં આવેલો કચરો ખમીયાણા રોડ પર ડમ્પીગ સાઇટ પર ઠલવવામાં આવે છે. ત્યારે સાંજના સમયે આ કચરાના ઢગલાઓ સળગાવવામાં આવતા હોવાનો કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો છે. અને ધુમાડાના કારણે સમગ્ર શહેરના વાતાવરણ પણ ગંભીર અસર થતી હોય પાલિકા દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ખમીયાણા રોડ પર સુરેન્દ્રનગર પાલિકાની ડમ્પીગ સાઇટ આવેલી છે. જયાં શહેરમાં એકઠો કરેલો કચરો ત્યાં ઠલવવામાં આવી રહ્યો છે. અને હાલ અંદાજે બે માળની ઇમારત જેટલા કચરાના ઢગલાઓ થઇ ગયા છે. ત્યારે અવારનવાર આ કચરો સળગાવવામાં આવતો હોવાની સ્થાનિક રહીશોએ પાલિકામાં ફરીયાદ કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન કરતા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેશભાઇ કોટેચા, રોહીતભાઇ પટેલ સહીતનાઓ દ્વારા ડમ્પીંગ સાઇટ પર વોચ ગોઠવી સળગતા કચરાના ઢગલાઓનો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં ફરતો કરતા ચર્ચાના ચકડોળે ચડ્યો છે.  આ અંગે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ કોટેચાએ જણાવ્યું કે પાલિકા દ્વારા જ કચરાના ઢગલાઓ સળગાવવામાં આવે છે જેના કારણે સાંજના સમયે અને વહેલી સવારે સમગ્ર શહેર પર ધુમાડાનું ધુંધળુ વાતાવરણ છવાઇ જતાં લોકોના આરોગ્યને ગંભીર અસર પહોંચવાની શકયતા છે. આ અંગે ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાએ જણાવ્યું કે પાલિકા દ્વારા કચરો સળગાવવાની વાત તદ્દન ખોટી છે. કોઇ કારણોસર કદાચ સુકા કચરામાં આગ લાગી હોય તેવી શકયતા હોઇ શકે છે અને જયારે પણ આવી રીતે આગ લાગે છે ત્યારે પાલિકાના ફાયરની ટીમ મોકલવામાં આવે છે.

(12:58 pm IST)