Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દેવભુમિ દ્વારકા જિલ્લામાં પેન્શન સપ્તાહનો શુભારંભ

દેવભૂમિ દ્વારકા તા.૨:પ્રધાનમંત્રી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી યોજના હેઠળ અસંગઠીત શ્રમયોગીઓ/ લધુ વ્યાપારીઓની નોંધણી કરવા સંદર્ભે તા.૩૦થી તા.૬-૧૨-૧૯ દરમ્યાન ' પેન્શન સપ્તાહ'નું આયોજન સમગ્ર રાજયમાં કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં   નગરપાલિકા યોગ કેન્દ્ર ખંભાળીયા ખાતેથી ગ્રીમકોના ચેરમેનશ્રી મેદ્યજીભાઇ કણઝારીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાએ જણાવ્યું કે અસંગઠીત મજુરો નિવૃતિબાદનું જીવન માનભેર જીવી શકે તે માટે સરકારશ્રી દ્વારા આ મહત્વપુર્ણ યોજના બનાવી છે.

કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ. જાડેજાએ પ્રાસંગિક વકતવ્ય રજૂ કરી, કાર્યક્રમની સૂક્ષ્મ વિગતો રજૂ કરી લોકોમાં આ યોજના અંગેની જાગૃતિ લાવવા સહિયારા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

જિલ્લા શ્રમ અધિકારીશ્રી પ્રજાપતિએ આ યોજનાની માહિતી આપતા જણાવ્યું કે ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૮ થી ૪૦ વર્ષના શ્રમયોગીઓ, કે જેમની માસિક આવક રૂ.૧૫૦૦૦/- કે તેથી ઓછી હોય, તેવા શ્રમયોગીઓ માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં લાભાર્થીઓએ તેમની ઉંમરના હિસાબે માસિક ફાળો આપવાનો રહે છે. તેની સામે ભારત સરકાર દ્વારા પણ તેટલો જ ફાળો લાભાર્થીના ખાતામાં જમા કરશે. ત્યાર બાદ લાભાર્થીની ઉંમર ૬૦ વર્ષ પૂર્ણ થયે, પ્રતિમાસ રૂ. ૩૦૦૦/- પેન્શન આજીવન મળવાપાત્ર થશે.લાભાર્થી શ્રમયોગીના મૃત્યુ બાદ તેના પત્ની/પતિને ૫૦ ટકા પેન્શન મળવાપાત્ર થશે.

આ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ કોમન સર્વિસ સેન્ટર ખાતે, (૧) આધાર કાર્ડ, (૨) બેન્ક પાસબુક, (૩) મોબાઈલ સાથે લઈ જઈ નોંધણી કરાવી પડશે. આ યોજના અંતર્ગત બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ, એ.પી.એમ.સી. માર્કેટના શ્રમયોગીઓ, ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો, ડેઇલી વેજર, ફેરીયાઓ, આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન યોજનાના વર્કર, મનરેગાના શ્રમયોગીઓ, દ્યરેલુ કામદારો, ખેત શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, શાક માર્કેટના શ્રમયોગીઓ, હાથલારીના ચાલકો, સહિત અન્ય અસંગઠિત શ્રમયોગીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.આ સાથે પ્રધાનમંત્રી લદ્યુ વ્યાપારી પેન્શન યોજના પણ અમલી બનાવવામાં આવી છે. જેમાં છૂટક વેપારીઓ, દુકાનદારો, સ્વ રોજગારમાં રોકાયેલા લદ્યુ વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૮ થી ૪૦ વર્ષના લદ્યુ વેપારીઓ, કે જેમનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૧.૫૦ કરોડ કે તેથી ઓછું હોય તેવા લાભાર્થીઓ જોડાઇ શકે છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી જાની, નગરપાલિકા પ્રમુખ શ્રી શ્વેતાબેન, ઉપપ્રમુખ શ્રી પી.એમ. ગઢવી, ચીફ ઓફીસરશ્રી ગઢવી સહિત અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:11 pm IST)