Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

જુનાગઢમાં પેટ્રોલ પંપના સંચાલક પાસે ખંડણી વસુલવા કારસોઃ ૧ શખ્સ ઝબ્બે

સાત શખ્સોના પરાક્રમ અંગે પોલીસ ફરીયાદ

જૂનાગઢ તા. ર :.. જુનાગઢમાં રાત્રે એક પેટ્રોલ પંપ સાત શખ્સોએ હંગામો મચાવી ખંડણી માંગીને પેટ્રોલ પંપનાં સંચાલકોને ધમકી આપીને નાસી ગયા હતાં. જો કે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ જોગી પેટ્રોલ પંપ ખાતે રાત્રીના ૮.૩૦ નાં અરસામાં દાતાર રોડ વિસ્તારમાં રહેતો સોહિલ ફિરોજભાઇ નામનો શખ્સ લાકડી સાથે ધસી આવ્યો હતો.

આ ઇસમે પેટ્રોલ પંપની ઓફીસ બહાર ઉભા રહી રામભાઇ ભગવાનભાઇ કરમટા ઉ.૪૦ ને ગાળો ભાંડી હતી.

બાદમાં પૈસાની માગણી કરીને સોહિલે રામભાઇ સાથે ઝપાઝપી કરી હતી.

આ દરમ્યાન કુલદીપ ઉર્ફે કાલી, સાહિલ, યુસુફ, જમીલ, અલ્ફેઝ અને સાહિલ મલેક નામનાં શખ્સે આવીને મારકુટ કરી હતી.

પરંતુ પેટ્રોલ પંપનાં માણસો અને રામભાઇએ સોહિલ ફિરજને પકડી લઇ પોલીસને જાણ કરી હતી.  બી. ડીવીઝનના પી. આઇ. આર. બી. સોલંકીએ સ્ટાફ સાથે દોડી જઇને સોહિલની ધરપકડ કરી હતી અને અન્ય શખ્સોને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી હતી.

(11:47 am IST)