Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કમોસમી વરસાદથી ઇંટ ઉત્પાદકોને મોટુ નુકશાન

કાચી ઇંટો ઓગળી ગઇ : મંદીના માહોલમાં પડયા પર પાટુ : વળતર ચુકવવા માંગ

રાજકોટ તા. ૮ : અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં કમૌસમી વરસાદ પડતા ઇંટ ઉત્પાદકોને પારાવાર નુકશાની સહન કરવી પડી છે.

સૌરાષ્ટ્ર કચ્છ બ્રીકસ મેન્યુ. એસો.ના મહામંત્રી ચંદુભાઇ જાદવની યાદીમાં જણાવાયુ છે કે સૌરાષ્ટ્રમાં ઇંટ ઉત્પાદન કરતા આશરે ૪૦૦ જેટલા એકમો છે. જેઓએ દશેરા પર્વએ સીઝનલ ધંધાની શરૂઆત કરી હતી. પરંતુ હાલમાં પડેલ કમોસમી વરસાદથી કાચી ઇંટો પલળી જવાથી મોટા પાયે ઉત્પાદન ફેઇલ ગયુ છે.

સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં અંદાજીત ૮ હજાર જેટલા ઇંટ ઉત્પાદન એકમો છે. છેલ્લા લાંબા સમયથી રિયલ સેકટરમાં પ્રવર્તેલી મંદીના કારણે ઇંટોની માંગમાં ઘટાડો થયો છે. તેમાય કમોસમી વરસાદ પડતા ઇંટ ઉત્પાદકો પડયા ઉપર પાટુ  જેવી સ્થિતીમાં મુકાય ગયા છે.

ઇંટ ઉત્પાદકોને કમોસમી વરસાદથી થયેલ નુકશાનીની નોંધ લઇ સરકાર વળતર ચુકવવાની જોગવાઇ કરે તેવી ઇંટ ઉત્પાદકોની માંગણી છે. સરકારે માટી કામ કલાકારી બોર્ડમાં ઇંટ ઉત્પાદનનો સમાવેશ કરી ત્વરીત ધોરણે કુદરતી આફતથી થતા નુકશાન અંગેનું વળતર ચુકવવુ જોઇએ તેવી માંગણી સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘના મહામંત્રી ચંદુભાઇ જાદવ (મો.૯૮૨૫૭ ૯૫૦૯૫) એ ઉઠાવી છે.

ખાસ કરી કમોસમી વરસાદથી મોરબી, જુનાગઢ, જામનગર જિલ્લો વધુ પ્રભાવિત થયો હોય ત્યાં વધુ ધ્યાન આપવા સુચન કરેલ છે.

(11:26 am IST)