Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સમગ્ર સૌરાષ્ટ્રનો ચાર્જ ડીઆઇજી સંદીપસિંહને

નવા ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ વિદેશ તાલીમમાં અને નવનિયુકત જેસીપી ખુરશીદ અહેમદ મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી ફરજ પર મુકાયાઃ રાજકોટને ફરી એક વખત રેગ્યુલર જોઇન્ટ સીપી વગર ચલાવવું પડશે

રાજકોટ, તા., ૯: તાજેતરમાં આઇપીએસ કક્ષાએ થયેલા ફેરફારોમાં રાજકોટમાં લાંબા સમયથી ખાલી પડેલી જોઇન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક)ની જગ્યા પર રાજય સરકારે રાજકોટની ઇતિહાસ-ભુગોળની જાણકારી ધરાવતા અને ભુતકાળમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ચુકેલા ખુરશીદ અહેમદની  પસંદગી તો કરી પરંતુ તેઓ રાજકોટ ચાર્જ સંભાળે તે પહેલા જ મહારાષ્ટ્ર ધારાસભાની ચુંટણી ધ્યાને લઇ જલગાંવ ખાતે ઇલેકશન ડયુટીમાં મુકતો હુકમ થતા હવે રાજકોટનું જોઇન્ટ પોલીસ કમિશ્નર પદ ફરી એક વખત ર૧ મી ઓકટોબર સુધી રેગ્યુલર જોઇન્ટ પોલીસ કમિશ્નર વગરનું રહેશે તેમ સુત્રો જણાવે છે.

 

રાજકોટમાં જોઇન્ટ પોલીસ કમિશ્નરનો  ચાર્જ કોને આપવો તે બાબતે ગૃહ ખાતા દ્વારા વિચારણા ચાલી રહી છે.  સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજકોટના ડીસીપી રવિ મોહન સૈનીને પણ  મહારાષ્ટ્ર ખાતે ધારાસભાની ચુંટણી બંદોબસ્ત માટે મોકલવામાં આવ્યા છે. તહેવારો સમયે જ રાજકોટમાં આવા સ્થાનો ખાલી રહયા છે.

દરમિયાન જુનાગઢ રેન્જ વડા સુભાષ ત્રિવેદીની બદલી કચ્છ બોર્ડર રેન્જ વડા તરીકે થતા તેમના સ્થાને નિમાયેલા મનીન્દર પ્રતાપસિંઘ હાલમાં વિદેશમાં તાલીમમાં હોવાથી  આ સ્થાન પણ ખાલી રહયું છે અને જુનાગઢ રેન્જ વડાનો ચાર્જ રાજકોટ રેન્જ ડીઆઇજી  સંદીપસિંહની કાર્યક્ષમતા ધ્યાને લઇ સુપ્રત કરવામાં આવ્યો છે. યોગાનુયોગ ગયા વર્ષે  રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ રજા પર જતા તેઓનો ચાર્જ જુનાગઢ રેન્જ વડા સુભાષ ત્રિવેદીને સુપ્રત થયેલ. આમ સમગ્ર સૌરાષ્ટ્રનો ચાર્જ ડીઆઇજી સંદીપસિંહ સંભાળશે.

(11:44 am IST)