Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કોટડાસાંગાણીના સતાપરના હુમલા ખંડણી કેસમાં બે આરોપીની જામીન અરજી મંજુર

કોટડાસાંગાણી તા.૯: કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામ નિલેશ વસાણી પોતાની ગામની વાડીએ હોય ત્યારે સતાપર ગામના ઘનશ્યામ જળુ, નિર્મળ ધ્રાંગા,પિયુષ ડેર, સુનીલ તેમજ મુનો રબારી તમામ આરોપીઓ એક સંપ કરી ફરીયાદીના પિતા પર છરી વડે હુમલો કરેલ હતો અને ફરીયાદીને તેમના માતાને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી ફરીયાદી ના પિતાને ગંભીર ઇજા થયેલ હોય જેથી તાત્કાલીક કોટડા સાંગાણી સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતા ત્યારબાદ કોટડા સાંગાણી પોલીસ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી.એકટ ૩૨૬,૩૨૭,૫૦૪,૫૦૬ (૨)મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને તમામ  આરોપીઓની શોધખોળ કરવામાં આવેલ હતી.

ગત તા.૧૫-૯-૨૦૧૯ના રોજ કોટડા સાંગાણી પો.સ્ટે દ્વારા આરોપી મુનો રબારી અને પિયુષ ડેરની ધરપકડ કરી આરોપીઓને કોટડા સાંગાણી કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને બન્ને આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ ત્યારબાદ બન્ને આરોપીઓએ જેલમાંથી સેસન્સ કોર્ટમાં તેમના વકીલ શ્રી વિજયરાજસિંહ એસ.જાડેજા, દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી.

આરોપીઓના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે ઇજા પામનાર હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયેલ છે. બન્ને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ મુજબ પ્રાઇમા ફેસી કેસ બનતો ન હોય તેમજ ઉચ્ચ અદાલતો ના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા નામદાર સેસન્સ કોર્ટ ગોંડલ દ્વારા બચાવપક્ષના વકીલની દલીલ ગ્રાહય રાખી રૂ.૧૫૦૦૦ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ ના એડવોકેટ તરીકે વિજયરાજસિંહ એસ.જાડેજા, રોકાયેલ હતા.

(11:39 am IST)