Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કાશ્મીરમાંથી તો કાઢી પણ આપણા મગજમાંથી કલમ-૩૭૦ કાઢવાની જરૂર છેઃ ઠુમર

સરકારનો નિર્ણય સાથે એક ગુજરાતી તરીકે સમંત હોવા છતા આંખો મીચીને વિરોધ કે તરફેણ દેશ હિતમાં નહી ગણાય : પૂર્વ સાંસદ : કાશ્મીરને ભારત સાથે રાખવાના બદલામાં જે શરતો સ્વિકારી એનુ નામ કલમ ૩૭૦ : કેન્દ્ર સરકાર માટે આ નિર્ણય લોઢાના ચણા સાબિત ન થાય તો સારૂ : વિરજીભાઇ : ભારત કે પાકિસ્તાન સાથે નહિ જોડાઇને રાજા હરિસિંહે કાશ્મીરને સ્વતંત્ર રાખવાનુ નક્કી કર્યુ : એ ભૂલ ન્હોતી , એ સમયની જરૂરિયાત હતી, જો જીદી વલણ અપનાવ્યુ હોત તો આજે કાશ્મીર ન હોત : કાશ્મીરનો ૨/૩ ભાગ ભારત સાથે જોડાયો અને ૧/૩ ભાગ વિવાદિત રહ્યો તે પીઓકે (પાકિસ્તાનમાં છે હાલ)

આઝાદી મળ્યા પછી કયા કારણો અને સંજોગોમાં કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો એ ઐતિહાસિક તથ્યોનો અભ્યાસ કરી આપણા પુરોગામી સત્તાધીશોએ જે નિર્ણય કર્યા હતા તે જાણવું ખુબજ જરૂરી છે. ધારા ૩૭૦ માં ફેરફાર અને ન્યાયોચિત ઠેરવવા ધારા ૩૭૦ લાગુ કરવીએ ઐતિહાસિક ભુલ હતી તેવું સિધ્ધ કરવું બાલીશતા છે.

 

ધારા ૩૭૦ ની કબર ખોદી મડદા બહાર કાઢવાની રાજકીય રમતો હવે અસ્થાને છે. આઝાદી બાદ તમામ ૫૬૨ રજવાડાઓને તેમની મરજી મુજબનો દેશ (ભારત કે પાકિસ્તાન) નક્કી કરવા છુટ અપાઈ હતી. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ ત્રણ રાજ્યોને બાદ કરતા બધા રજવાડાઓ સ્વૈચ્છીક રીતે પોતાના રાજ્યોને ભારતીય સંઘ સાથે જોડી દીધા. આ બધા રાજ્યોને પોતાની ક્ષમતા અને વિસ્તાર પ્રમાણે સાલિયાણા અને દરજ્જા આપ્યા. જોકે શ્રીમતી ઇન્દિરા ગાંધી નો  રજવાડાના સાલીયાણા બંધ કરવાનો નિર્ણય વ્યાજબી ન ગણી શકાય હવે સવાલ હતો આ ત્રણ રિયાસતોનો જેમાં ત્રણેયમાં પરિસ્થિતિને સંજોગો જુદા જુદા હતા એ પણ સમજવા જેવી હકીકત છે.

૧.. કાશ્મીર જ્યાં રાજા હિંદુ અને મોટા ભાગની પ્રજા મુસ્લિમ

૨..હૈદ્રાબાદ જ્યાં બાદશાહ મુસ્લિમ અને મોટાભાગની પ્રજા હિંદુ

૩..જૂનાગઢ જ્યાં બાદશાહ મુસ્લિમ અને મોટા ભાગની પ્રજા હિંદુ

હવે આ ત્રણેય રાજ્યોમાં રાજા બાદશાહ અને -જાના મત જુદા હતા.. સરવાળે આપણા નેતાઓએ લશ્કરીબળનો નાનકડો પ્રયાસ કરીને લાલ આંખ કરી એટલે હૈદ્રાબાદ અને જૂનાગઢ તો ભારતીય સંઘ સાથે ભળી ગયા અને પ્રશ્ન ઉકલી ગયો કારણકે આ બે રાજ્યોની પ્રજાને તો ભારત સાથે ભળવું જ હતું એટલે બિનશરતી સુઃખદ ઉકેલ આવી ગયો...પરંતુ સૌથી જટિલ પ્રશ્ન કાશ્મીરનો હતો કારણકે ત્યાંનીપ્રજા મુસ્લિમ હતી અને તેમનો બેટી વ્યવહાર, સામાજિક તાણાવાણા અને સંસ્કૃતિ પાકિસ્તાન સાથે વણાયેલી હતી સાથે સાથે જનમત પણ પાકિસ્તાન સાથે હોય એ સ્વાભાવિક છે.. આ વિષમ પરિસ્થિતિમાં કાશ્મીરને કોઈ પણ ભોગે ભારતીય સંઘ સાથે રાખવું એ નેતાઓ માટે અગ્નિ પરીક્ષા સમાન હતી..

મહંમદઅલી ઝીણા મુસ્લિમવાદી રાષ્ટ્ર ઇચ્છતા હતા અને નેહરુ, સરદાર અને બાબાસાહેબ રાષ્ટ્રવાદી મુસ્લિમ ભારત સાથે રહે તેવું ઇચ્છતા હતા. આ સંજોગોમાં દરેકને ત્રણ વિકલ્પ હતા કે કા તેઓ ભારત સાથે જોડાય અથવા પાકિસ્તાન સાથે અને ત્રીજો વિકલ્પ સ્વતંત્ર રહે.

કાશ્મીરના રાજા હરિસિંહે બન્નેમાંથી એક પણ વિકલ્પ પસંદ નહીં કરી કાશ્મીરને સ્વતંત્ર રાખવાનું નક્કી કર્યુ. બીજી બાજુ પાકિસ્તાન કોઈ પણ ભોગે કાશ્મીરને પોતાનું બનાવવા માંગતું હતું એટલે પાકિસ્તાન નાલાયકી પૂર્વક પોતાના સૈનિકોને છુપાવેશમાં કાશ્મીરમાં ઘુસાડતું હતું જે કબાઇલીયો તરીકે ઓળખાતા એક જૂથના સ્વરૂપમાં અંગ્રેજોની છુપી મદદથી કાશ્મીર પર હુમલો કર્યો.. જેનો રાજા હરિસિંહ અને -જાએ શક્ય તેટલો સામનો કર્યો. જ્યારે લાગ્યું કે આપણે જીતી નહીં શકીએ ત્યારે હરિસિંહે ભારતના વડાપ્રધાન નહેરૂજીને હસ્તક્ષેપ કરવા કહ્રયું. જેના જવાબમાં ભારત સાથે કાશ્મીરના વિલયની શરત મુકાઈ અને ૅ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એકસેશન ૅ પર સહી કરવા જણાવ્યું જે ૨૬ ઓકટોબર ૧૯૪૭ ના દિવસે સહી કરી.આ વિલય સંધીની શરતોને કાશ્મીરમાં કંઈક વિશેષ દરજ્જો આપવો જેથી કાશ્મીર આપણી સાથે રહે...આ સમયગાળા દરમિયાન કાશ્મીરની જનતાનો પણ વિશ્વાસ કેળવવો પડે એટલે નેશનલ કોન્ફરન્સ દ્વારા શેખ અબ્દુલ્લાએ પણ કાશ્મીરીઓમાં ભારત સાથે રહેવા જનમત ઉભો કર્યો એટલે એમને કાશ્મીરના વઝીરે આઝમ બનાવવાયા.. શેખ અબ્દુલ્લાને સમજાવવા જવાહરલાલ નહેરુએ એમના વ્યકિતગત સંબંધનો ઉપયોગ કરી મિશન પાર પાડ્યું..

આ દરમિયાન ભારતમાં સાંપ્રદાયિક લોકો કાશ્મીરની સ્વાયત્તતા હઠાવવા દબાણ લાવવા માંડ્યા એટલે શેખ અબ્દુલ્લા ગભરાયા કારણ કે એ ચૂંટાયેલા વઝીરે આઝમ હતા એમને એમ હતું કે ભારત સ્વાયત્તતા હટાવી દેશે એટલે એમણે ચીન અને રશિયા અમેરિકાનો સંપર્ક કર્યો અને મદદ કરવા વિનંતી કરી જેથી નહેરુ ગિન્નાયા અને નહેરુ અને અબ્દુલ્લા વચ્ચે રાષ્ટ્રહિત બાબતમાં વાંધો પડતા પોતાના કૌટુંબિક સંબંધો પણ બાજુમાં મૂકી રાષ્ટ્રહિતમાં શેખ અબ્દુલ્લાને ૧૭ વરસ જેલમાં રાખ્યા... જો આ સ્થિતિમાં નહેરુ સરદાર બાબાસાહેબની કુનેહ ન હોત તો કાશ્મીર પાકિસ્તાન સાથે જ હોત એટલે કાશ્મીરની જે શરતો સ્વીકારી એ જ કલમ ૩૭૦... એટલે જે સંજોગોમાં ૩૭૦ લગાવવી પડી હતી એ સમયની જરૂરિયાત હતી નહીં કે ભૂલ...અને જો જિદ્દી વલણ અપનાવ્યું હોત તો કાશ્મીર પાકિસ્તાનમાં હોત...અને આ શરત સાથે આપણા સમવાયતંત્ર એટલે કે ( ફેડરલ સ્ટ્રકચર) માં સામેલ થયા અને કાશ્મીરમાં વિદેશ , સંરક્ષણ અને માહિતીપ્રસારણ ત્રણ વિષય છોડી બધા વિષય કાશ્મીર ને સ્વતંત્રતા આપી.. એટલે દેશના કાયદા લાગુ કરવા કે નહિ એની સત્તા પ્રજાએ ચૂંટીને મોકલેલી બંધારણ સભા એટલે કે વિધાનસભાને આપ્યા. નક્કી થયું કે ભારતના વડાપ્રધાન હશે એમ કાશ્મીરમાં વઝીરે આઝમ હશે .. ભારતને રાષ્ટ્રપતિ હશે એમ કાશ્મીરને ૅ સદર-એ રિયાસત ૅ હશે. ભારતને એનું બંધારણ હશે કાશ્મીરને પોતાનું બંધારણ હશે.આ પ્રશ્ન અંગ્રેજો ગૂંચવવા માંગતા હતા એટલે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન આ પ્રશ્નને બિનજરૂરી યુનો માં લઇ ગયા .નહેરુ આ નિર્ણયના વિરુદ્ધમાં હતા. યુનોએ કાશ્મીર કોની સાથે જોડાય એનો ફેંસલો યુનો જનમત સંગ્રહ એટલે (ફ્રીડોમ) દ્વારા ભારતના લશ્કરને પાકિસ્તાનમાંથી બહાર નીકળી જવાનું અને યુનો લોકોનો મત જાણે ..આ પ્રક્રિયાનો નહેરુએ સખત વિરોધ કર્યો અને જનમતની વાતનો છેદ ઉડાવીને કાશ્મીરનો ૨/૩ ભાગ ભારત સાથે જોડી દીધો અને ૧/૩ ભાગ વિવાદિત રહ્રયો જે પીઓકે એટલે કે પાકિસ્તાનના કબ્જામાં છે.. જો જનમત થયો હોત તો કાશ્મીરની જનતા પાકિસ્તાન સાથે જતી રહેત. પરંતુ ધીમે ધીમે કાશ્મીરના લોકોમાં અસંતોષ અને દહેશત થવા લાગી કે સ્વાયત્તતા જશે એટલે અસંતોષની જ્વાળામાંથી અલગાવવાદ જન્મ્યો જે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ ( જેકેએલએફ ) તરીકે ઓળખાય છે. આ અલગાવવાદી કેટલાક નેતાઓ પણ પાકિસ્તાન સાથે વેચાઈ ગયા અને પાકિસ્તાનનો હાથો બની કાશ્મીરીઓને ઉશ્કેરતા રહ્રયા તેમાંથી આતંકવાદનો ઉદભવ થયો અને પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓને મદદ કરી પરોક્ષ લડાઈ લડતું રહ્રયું...

આ ઐતિહાસિક ઘટનામાં આજે રાજકીય કારણોસર નહેરુજી અને સરદારમાંથી કોણ ગુનેગાર એવી વાહીયાત ચર્ચા એ જોર પકડ્યું છે. પણ નહેરૂજીને નાના કરી સરદારને મોટા કરવા નીકળેલાઓ સરદારના વ્યકિતત્વનું અવમૂલ્યન કરી રહ્રયા છે. ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે સરદાર વલ્લભભાઈ પટેલે પુરી બાંહેધરી સાથે ધારા ૩૭૦ લાગુ કરાવવા યશસ્વી -યાસ કર્યા હતા. નહેરૂજી અમેરિકા હતા ત્યારે તેમની ગેરહાજરીમાં ધારા ૩૭૦ નો વ્યાપક અને હીંસક વિરોધ કોંગ્રેસ પક્ષમાં થઈ રહ્રયો હતો તેને ખાળી સંવિધાન સભામાં બહુમતીથી પસાર કરાવનાર પણ સરદાર પટેલ જ હતા. સરદાર વલ્લભભાઈના અંગત સચિવ વી. શંકરના પુસ્તક અને પત્રોના સંકલનમાં આ તથ્યો વિગતવાર દર્શાવાયા છે. નહેરૂજી પણ ધારા ૩૭૦ ના અમલ માટે સરદારની હયાતીમાં અને ત્યારબાદ તેમને શ્રેય આપતા રહ્રયા હતા તે તથ્યને પણ અવગણવું નહીં જોઈએ. આ બન્ને મહાનુભાવો પાસેથી મતભેદો અને વિચાર ભેદ સાથે એકમેકની સ્વીકૃતિ અને સન્માન સાથે કેવી રીતે કામ કરવું એની પ્રેરણા લેવાના બદલે તેમને એકમેકની સામે કરી આ યશસ્વી રાજનૈતિક બેલડી ને ક્યાંક ને ક્યાંક અન્યાય કરીએ છીએ. ધારા ૩૭૦ ભૂલ નહીં જેતે સમયની જરૂરિયાત અને સુઝબુઝ ની ફલશ્રુતિ છે. જો આ ના થયું હોત તો આજે કાશ્મીર ભારત સાથે ના હોત તે એટલુ જ ના નકારી શકાય તેવુ સત્ય છે. જીવન

  પર્યંત નહેરૂ અને સરદાર એકમેકના પુરક રહ્રયા. વૈચારિક તનાવ છતાં બન્નેએ દેશ હીતમાં વ્યકિતગત હીતો અને મહત્વાકાંક્ષા ને આડે ના આવવા દીધી. આ પરિપાટી ને અનુસરવાના બદલે અવૈચારિક કુસ્તીના અખાડામાં તેમને ઘસેડવા બૌધિક ઉન્માદ થી વિશેષ કાંઈ નથી.

આર્ટિકલ ૩૭૦(૧) રાજ્ય વિધાનસભાની કલમ (લગભગ ૧૪૭) બહુમતીથી કાઢે એ પછી જપ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ એબોલિશન ઓફ ૩૭૦ થઈ શકે. આ સ્થિતિમાં ધારા ૩૭૦ ને હટાવ્યા સિવાય તેને હાથ પગ વગરની કરી દેવા ખંડ (૨)અને (૩)ને રદ કરાયો છે. સવાલ અને ચિંતા ધારા ૩૭૦ ના ખંડ (૨) અને (૩) ને નિરસ્ત કરવાની અને કાશ્મીરનું વિભાજન કરવાની પ્રક્રીયા અને તેના પરિણામો વિશે છે. હું ચોક્કસ ચિતિંત છું કેમકે કાશ્મીરીઓને બાનમાં રાખી એક યુધ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરી બંદુકની અણીએ કાશ્મીરનું પુનઃગઠન કરવાનો નિર્ણય એક રાજ્યના નાગરિક તરીકેના બંધારણીય અધિકારોનું હનન છે. દેશ, સંસદ અને રાજ્યના લોકોને આતંકી હુમલાના નામે ગુમરાહ કરી કરાયેલા નિર્ણયમાં કાશ્મીર બહારના દેશવાસીઓની ખુશી તો નજરે પડે છે પણ કાશ્મીરીઓના અભિપ્રાય પર કર્ફ્યુ છે. સરકારના દાવા મુજબ જો જમ્મુ કાશ્મીરના લોકોની આ જનભાવના હતી તો તેમને બંધક બનાવવાની જરૂરત કેમ ઉભી થઈ ૧૯૪૭ માં રાજા હરિસિંહની કાશ્મીરી રીયાસત પર થયેલા હુમલા વખતે પાકીસ્તાની શાસકોના હાથમાં નહી પડવા બલીદાન આપી ભારત સાથે જોડાવવાનુ પસંદ કરનાર કાશ્મીરીઓ પાસેથી એમના રાજ્યનો દરજ્જો છીનવી લેતી વખતે એમને વિશ્વાસમાં લેવાની જરૂર હતી જેમાં થયેલી ચુક ગંભીર પરિણામો સર્જશે તેવી આશંકા ચોક્કસ છે.

સરકારે એક કદમ ઉઠાવી લીધું જેની પાછળ અત્યારે દેશની જનભાવના છે જ પણ આ નિર્ણયની સફળતાનો આધાર કાશ્મીરી જનતાની ભાવનાઓ પર છે. સરકારની ખરી અગ્નિપરીક્ષા હવે શરૂ થશે. પ્રાદેશિક હીત ધરાવતા રાજકીય પક્ષો એમનો ગરાસ લુંટાઈ જવાની હતાશામાં સ્થાનિક લોકોને ભડકાવશે. કેન્દ્ર સરકારે સત્તાના જોરે તમારી સાથે દગો કર્યો એવા તર્ક આપી પરિસ્થિતિ બગાડશે. મહેબુબા મુફતીનો ઓડીયો સંદેશ જેમા કહેવાયું કે આજે કાશ્મીરી પ્રજાને ભારત સાથે રહેવાનો અફસોસ હશે તે આ દિશામાં સંભળાતા ભણકારા છે. પરિસ્થિતિને સામાન્ય કરવી અને ત્યાંની સ્થાનિક પ્રજામાં વિશ્વાસ કેળવવો એ કેન્દ્ર સરકાર માટે લોઢાના ચણા સાબિત ના થાય તો સારૂ. જ્યાં સુધી કાશ્મીરી પ્રજામાં ભરોસો નહી પડે ત્યાં સુધી આર્ટીકલ ૩૫-એ રદ થયા છતાં બહારના લોકો કાશ્મીર મા ધંધો કે રોકાણ કરતાં ખચકાશે. કાશ્મીરી પંડિતોને પણ પરત ફરવા એક વાતાવરણ આપવું પડશે. આ વાતાવરણ ઉભું કરવું મીલીટ્રી કે સીઆરપીએફની કુમકો ઉતારીને સંભવ નથી એ માટે માત્ર કાશ્મીરને નહીં કાશ્મીરીઓને પણ ભારતના અન્ય હીસ્સાઓમાં રહેતા ભારતીયો જોડે જોડવા પડશે.

સોશીયલ મીડીયામાં કાશ્મીરમાં પ્લોટ લેવાની હોડ લગાવનારાઓ કાશ્મીરીઓમાં તેમની જમીન ખુંચવી લેવાનો ભય પેદા કરી રહ્રયા છે. અમદાવાદમાં જ કોઈ હીંદુ પોપટીયાવાડ કે પટવાશેરીમાં મકાન લેવાનું જોખમ ના ઉઠાવે અને મુસ્લીમને જજીસ બંગલો કે ઘાટલોડીયા કે સોલારોડ પર મકાન ના મળે એ સ્થિતિ છે. ભય કરતા અવિશ્વાસ એ આના માટે કારણભૂત છે. અરે હીંદુ મુસ્લિમ છોડો જૈનોની સોસાયટીમાં બીન જૈન ને અને પટેલની સોસાયટીમાં ગેર પટેલને મકાન નહીં વેચવાની માનસિકતા શું ૩૭૦ના કારણે છે ?

શહેર છોડો ગામડાઓ પણ દરબાર હવેલી, પટેલવાસ, બ્રાહ્મણ વાસ કે ઠાકોર વાસ અને દલિતવાસના અનેક ચોકઠાઓમાં વહેંચાયેલા છે. શું ત્યાં ધારા ૩૭૦ લાગુ છે? આપણે પોતાના મગજમાં જ એક ધારા ૩૭૦ લગાડી છે જે કોઈને એક તો કોઈને બીજી જગ્યાએ વસવા પર પ્રતિબંધ મુકે છે. કાશ્મીર સિવાય પણ મીઝોરમ, સિક્કીમ, નાગાલેન્ડ અને હીમાચલ જેવા રાજ્યો છે જ્યાં બહારના લોકો જમીન નથી ખરીદી શકતા. અરે ગુજરાતમાં પણ ૩૭૧ લાગુ છે જ ને..પણ ત્યાંનો આપણને વાંધો નથી કેમકે ત્યા હીંદુ મુસલમાન વાળો ખેલ ખેલી રાજકીય લોકોએ તમને ભડકાવ્યા નથી. ચીન અરુણાચલમાં લાખો એકર જમીન હડપી જાય ને ડોકલામમાં કબ્જો કરે તો ચાલે કેમકે ચીન એ મુસ્લિમ રાષ્ટ્ર નથી. અને ચીના વિરુદ્ધ ઉશ્કેરવાથી અહીં મત મળતા નથી.આપણી રાષ્ટ્રભકિત પણ ભગવી અને લીલી થઈ ગઈ છે અને માટે ત્રિરંગી સંવિધાનથી આપણે દૂર થતા જઈએ છીએ.

કાશ્મીરી યુવતીઓ વિશે અભદ્ર મીમ્સ બનાવી આપણે શું સિધ્ધ કરી રહ્રયા છીએ ? શું આ રીતે ત્યાંના લોકોનો વિશ્વાસ જીતી શકાશે. શું એક ગંભીર પ્રયાસ પર આ બીભત્સ મજાક દ્વારા પાણી નથી ફેરવાઈ રહ્રયુ આ તમામે વિચારવાની જરૂર છે. ધારા ૩૭૦ હટાવવાથી ભ્રષ્ટાચાર મટી જશે રોજગાર પેદા થશે જેવા વાયદાઓનો હાલહવાલ નોટબંધી બાદ થયેલા વચન જેવા ના થાય તે જોવું પડશે. દેશના મહત્તમ હીસ્સામાં ધારા ૩૭૦ નહી હોવા છતાં બેકારી અને મંદીની આ સ્થિતિ કેમ છે તે પ્રશ્ન અનુતરિત છે. ૩૭૦ હટાવવાની જાદુઈ લાકડી જો જોતજોતામાં કાશ્મીરીઓ માટે સ્વર્ગ ઉતારી દેનાર હોય તો આ જાદુથી સરકારે કાશ્મીર સિવાયના ભારતને કેમ દૂર રાખ્યું તે સમજાય તેમ નથી. અવિશ્વાસથી અલગાવ અને અલગાવ થી આતંકવાદ પ્રસર્યો. આજે ફરી કાશ્મીરને જેલ બનાવી લશ્કરની બંદુકના નિશાને કાશ્મીરી પ્રજા માટે ક્યો હીતકારી સંદેશ અપાઈ રહ્રયો છે તે સમજની બહાર છે.

ઈતિહાસ બદલાયો છે ભુગોળ ના બદલાય તે જોવું રહ્રયું. નિર્ણયની લોકપ્રિયતા એ તેના સાચા હોવાનું પ્રમાણ હોઈ ના શકે. નિર્ણયનું પરિણામ તેનું ખરૂ મુલ્યાંકન કરશે. ભીડની માનસિકતા સાથે નહીં ચાલવાના નુકશાન રાજકારણમાં થતા હોય છે પણ દેશહીત અને લાંબી દ્રષ્ટિ એ વિચારનાર પક્ષ જ ઇતિહાસ રચે છે. રામમંદિર સાથે કોંગ્રેસે બંધારણની બહાર જઈ લોકસમર્થનના દબાવમાં કામ કર્યું હોત તો સત્તા ગુમાવવી ના પડત પણ સત્તા માટે સિધ્ધાંતની સમજૂતી કરીને ગાંધી સરદાર અને નહેરુની પરંપરા ચોક્કસ ગુમાવી દીધી હોત. આજે પણ કોંગ્રેસ લોકદબાણ અને લોકજુવાળની સામે કાશ્મીરની ખરી ચિંતા કરી લોકમતથી વિરુદ્ધ દેશહીતની દલીલ આપી રહી છે. ચુંટણી હારવી મંજુર છે પરંતુ દેશની હાર કદાપિ મંજુર નથી એ મુળભાવ છે.

દેશના વિચારકો અને બુદ્ધિધનને ટોળાઓએ બાનમાં લીધા છે એટલે..

એક મહાન ફિલસુફ બાલ્ટર વિષે મેં વાંચ્યું તું .બાલ્ટરની ફિલોસોફી એમ કહે છે કે તમારી પાસે જે જ્ઞાન છે, બુદ્ધિ છે, આવડત છે તેને અયોગ્ય જગ્યાએ વેડફશો નહી.

કાગડાઓનું સમૂહ ગાન ચાલતું હોય ત્યારે કોયલે ચૂપ રહેવું જોઈએ. ગમે ત્યાં ગમે તેમ ન સમજી શકનારા લોકો સામે જો તમારી બુદ્ધિ વિદ્વતા બતાવવા જશો તો પસ્તાવો થશે.

અકબર બાદશાહના નવરત્નોમાં નું એક રત્ન કવિ ગંગ લખે છે કે....કાકા કો કપૂર ( કાગડાને કપૂરથી શું લેવાદેવા ? જૈસે મરકટકો ભૂસન ( માંકડાંને આભૂષણ નો શું મતલબ ) જૈસે બ્રાહ્મણ કો મક્કા ( બ્રાહ્મણને મક્કા શું કામનું ?) ઔર પીર કો બનારસ( મુસ્લિમને બનારસથી શું લેવાદેવા ?) ... બહેરેકે આગે ગાન ( સરસ ગીત સંગીત બહેરાને શું અસર કરી શકે ?)  હિજડે કો નારી લાગે અંગાર ..(નપુંસકને નારી હલબલાવી શકતી નથી) કવિગંગનું કટાક્ષ કાવ્ય કહી જાય છે કે.  મૂર્ખાઓની સભામાં સજજનનું ઘરેણું મૌન હોય છે. ગમે તેમ કક્ષા વગરના વ્યકિતઓ સાથે સંવાદ, તમારા જ્ઞાનનો -ચાર ક્યારેય કરવો નહી કાગડાને કપૂર સાથે શું લેવા દેવા ?

હાલમાં આ સ્થિતિ થઇ છે દેશના બુદ્ધિજીવીઓ અને વિચારશીલ લોકોની કારણકે નોટબંધી અને જીએસટી વખતે પણ આવો જ માહોલ ઉભો કર્યો હતો ને ટીવી થી લઈને સમગ્ર દેશમાં ઉજવણી કરી હતી અને પાછળથી આ બેય યોજના તદ્દન નિષ્ફળ ગઈ હતી. એક ભારતીય તરીકે સરકારનાએ તમામ કદમ સાથે  કદમતાલ મીલાવીએ જેમાં કાશ્મીરીઓ અને રાષ્ટ્રનું હીત હોય. આંધળો વિરોધ કે આંધળું સમર્થન મતાંધતાની નિશાની છે.

જમ્મુ અને કાશ્મીરમાં ૩૭૦ ની કલમ દુર કરવાના સરકારના નિર્ણયને આવકાર છું પરંતુ પાર્લામેન્ટ ની અંદર અને દેશના વાયુ -વચન રાષ્ટ્ર જોગ વખતે પ્રધાન સેવક અને પાર્લામેન્ટ માં રજૂ થયેલી બાબતો  તેમાં સત્ય શું છે તે દેશના નાગરિક તરીકે જાણવાનો અધિકાર થાય છે પુણ્ય પ્રસૂન બાજપાઈ ગંજાવર પત્રકાર છે ખૂબ જ હોશિયાર અને ઝીણવટપૂર્વક વિશ્લેષક તરીકે કામગીરી કરે છે તેમણે વિશ્લેષણ કર્યું છે તે દેશના હિતમાં હાલની આપણા રાજ્યમાં શું સ્થિતિ પ્રવર્તી રહી છે તે બાબતમાં તેમજ કાશ્મીરમાં શું ચાલી રહ્રયું છે અને દેશના અન્ય રાજ્યોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી ત્યાં ની શું સ્થિતિ છે અને જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં શું સ્થિતિ છે તેની આંકડાકીય દેશના નાગરિક તરીકે મુલવણી કરીએ તેમ પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે નિવેદનના અંતમાં જણાવેલ છે.

(1:13 pm IST)
  • રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડનો પ્રારંભઃ પ્રિ-મોન્સુન કામગીરી પ્રશ્ને તડાપીટ: ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો દ્વારા કુલ ૬૩ પ્રશ્નો રજૂઃ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પ્રશ્નથી ચર્ચા શરૂ: મવડી બ્રિજ, સાધુ વાસવાણી રોડની લાયબ્રેરીનાં નામકરણ સહિતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય access_time 11:21 am IST

  • અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી ગઈ : અન્ય ૨ બોટનો પત્તો નથી કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધાઃ તાજેતરના વરસાદી તાંડવ અને સમુદ્રના તોફાની પવનોના પગલે અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી જતા ૬ માછીમારોના મોત થયા છે. જયારે અન્ય ૨ બોો લાપતા હોય ૯ માછીમારો અંગે ભારે ચિંતા સેવાઈ રહી છે. દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધા છે access_time 11:24 am IST

  • દિલ્હી સરકારની ઓટો ચાલકોને મોટી ભેટ ;જીપીએસ ફી અને ફિટનેસ ફી માફ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત ;નવો ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ access_time 1:11 am IST