Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

નોકરી આપવાની લાલચ આપનાર અમરેલી પ્રતાપરાય કોલેજના પ્રોફેસર સામે ૫ કરોડની છેતરપીંડીની ફરિયાદ

અમરેલી તા. ૧૪ : અમરેલીમાં આવેલી પ્રતાપરાય કોલેજના પ્રોફેસર સામે પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પ્રોફેસરનું નામ સંજય દવે છે, જે ભાવનગરનાં ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મધુ મહેલ એપાર્ટમેન્ટમાં રહે છે. આ પ્રોફેસરે સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૧૧૧ બેરોજગાર યુવકો પાસેથી ૫ કરોડ રૂપિયા લઈને છેતરપિંડી આચરી છે.

ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર તાલુકાના અગિયારી ગામમાં રહેતા કૌશિક જોશી નામના વ્યકિતએ પ્રોફેસર સંજય દવે સામે ફરિયાદ નોંધાવી છે. જોશીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે સંજય દવેએ સરકારી નોકરી અપાવવાનું વચન આપી તેની પાસેથી ૨૦ લાખ રૂપિયા લીધા હતા. જેના કેટલાક મહિનાઓ બાદ પણ કંઈ ન થતાં જોશીએ દવે પણ દબાણ વધારવાનું શરૂ કરી દીધું હતું.

જે બાદ સંજય દવેએ કૌશિક જોશીને એક અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો, જેમાં જોશીને શ્રમ અને રોજગાર વિભાગમાં કલાસ ૨ અધિકારી તરીકે નિમણૂક કરાયો હોવાનું જણાવ્યું હતું.

ભાવનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, 'જોશીએ જયારે આ લેટર અંગે પૂછપરછ કરી ત્યારે બહાર આવ્યું કે લેટર નકલી હતો.

વધુમાં તપાસ હાથ ધરતાં તેને જાણ થઈ કે કૌશિક જોશીએ અન્ય યુવકો સાથે પણ આ રીતે છેતરપિંડીં કરી છે. જયારે અમે આ અંગે તપાસ હાથ ધરી ત્યારે તેણે અન્ય ૧૧૧ યુવકો સાથે ઠગાઈ કરી હોવાનું ખુલ્યું છે. આ કેસના સાક્ષી તરીકે તમામનાં નિવેદન નોંધવામાં આવશે.'

(11:43 am IST)