Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

વિક્રમભાઇ માડમે રાજ્ય સરકારના રસીકરણ અભિયાનને બિરદાવતા રાજકારણ ગરમાયુ

જો કે ખંભાળીયાના કોંગ્રેસના ધારાસભ્યએ સ્વીકાર્યું કે રાજ્ય સરકાર સારી યોજના અમલમાં મુકતી હોય તો સારી બાબત કહેવાય

જામનગર તા. ૧૧ : છેલ્લા પખવાડીયાથી કોંગ્રેસની સિનીયર નેતાગીરીમાં ચાલી રહેલ અસંતોષના સખળ ડખળને નાથવા કોંગ્રેસ હાઇકમાન્ડે ગંભીરતા દાખવી છે. કુંવરજી બાવળીયાની વિદાય બાદ ડેમેજ કંટ્રોલ રોકવા માટે કેન્દ્ર અને રાજયના હાઇકમાન્ડે એક સુત્રતા માટે કવાયત શરૂ કરી છે. ત્યારે જ અસંતોષની યાદીમાં પરોક્ષ રીતે અગ્ર હરોળમાં રહેલા ખંભાળિયાના કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમે રાજય સરકારની રસીકરણ અભિયાનને જાહેરમાં બિરદાવતા ફરી રાજકારણ ગરમાયું છે.

કોંગ્રેસી ધારાસભ્યની વાયરલ થયેલી બેનર ઇમેજને લઇને ફરી વખત વિક્રમ માડમ અને ભાજપ વચ્ચે એક સુત્રતા રચાતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે વિક્રમ માડમે આ વાતને નકારી રાજય સરકાર સારી યોજના અમલમાં મુકતી હોય તો સારી બાબત કહેવાય એમ સ્વીકાર્યુ છે.

ગુજરાત રાજયના સિનીયર કોંગ્રેસી નેતાઓનું પક્ષમાં કોઇ સાંભળતુ ન હોવાની વાત વહેતી થયા બાદ મહેસાણાના પૂર્વ સાંસદ પટેલ અને રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળીયાએ જાહેરમાં કોંગ્રેસ પ્રત્યે નારાજગી દર્શાવતા રાજયનું રાજકારણ ગરમાયું હતું. દરમિયાન જામનગરના પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પણ પક્ષ પ્રત્યેની નારાજગીનો પરોક્ષ રીતે સ્વીકાર્ય કર્યો છે. ત્યારબાદ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂના રાજીનામા અને રાજકોટના એક પૂર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળીયાના ભાજપમાં પ્રવેશને લઇને સુતેલી કોંગ્રેસની નેતાગીરી એકાએક જાગૃત બની હતી. રાજય કોંગ્રેસમાં સખડ ડખળ અને અસંતોષના માહોલને ઠારવા માટે હાઇકમાન્ડ દ્વારા તમામ નેતાઓને સાંભળવામાં આવ્યા હતાં. અને ઘીના ઠામમાં ઘી પડી ગયાનો દાવો કર્યો હતો. બીજી તરફ વિરોધ વ્યકત કરનાર સિનીયર નેતાઓ પણ હાલ પુરતા માની ગયા હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. કોંગ્રેસમાં બધુ સમુસુતરૂ પાર ઉતરી ગયાની ચર્ચાઓ વચ્ચે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમને લઇને આજે સોશ્યલ મીડીયામાં એક ઇમેજ વાયરલ થતાં ફરી રાજકારણ ગરમાયું છે. રાજય સરકારના આગામી રસીકરણ કાર્યક્રમને વિક્રમ માડમે જાહેરમાં બિરદાવતા ફરી ભાજપ અને વિક્રમ માડમ વચ્ચે એક સુત્રતા રચાતી હોવાનું રાજકીય વિષ્લેષકો જણાવી રહ્યા છે.

જોકે વિક્રમ માડમે આ બાબતનો છેદ ઉડાડી રાજય સરકારના સારા કાર્યને બિરદાવ્યું છે એમ જણાવ્યું છે. સારા કાર્યક્રમો અને યોજનાઓને બિરદાવવી જોઇએ એનો એ મતલબ નથી કે હું ભાજપનો ખેંસ ધારણ કરી લઇશ, વાસ્તવીકતા જે હોય તે પરંતુ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલી આ ઇમેજને લઇને હાલ વાતાવરણ ગરમાયું છે.

(2:33 pm IST)