Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જેતપુરમાં આઘેડ શખ્સની હત્યા કેસના ગુનામાં પકડાયેલ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

દારૂ પીવા બાબતે બોલાચાલી થતાં બે વર્ષ પહેલા મિત્ર એજ હત્યા કરી હતી

રાજકોટ તા.૧૧: જેતપુરમાં નાજાવાડા પરા વિસ્તારમાં બે વર્ષ પૂર્વે આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે કેસ જેતપુરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા રૂ.પાંચ હજાર દંડ ભરવા આદેશ કર્યો છે.

આ કેસની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરના નાજાવાડા પરા વિસ્તારમાં ગત તા.૪-૯-૧૬ના રોજ દલિત આધેડ બહાદુરભાઇ નાથાભાઇ ભડેલીયાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા સંજય ભુપતભાઇ ભડેલીયા રહે.ગુજરાતીવાડી જેતપુર, દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસની તપાસ દરમિયાન બહાદુરભાઇ રખડતું ભટકતું જીવન પસાર કરતા હોય અને નાજાવાડા પરા વિસ્તારમાં રહેતા મિતેષ ઉર્ફે મિતુ ઉર્ફે મિતિયો રામજીભાઇ સરવૈયા નામના શખ્સ સાથે તેમને મિત્રતા હોય બનાવના દિવસે બન્ને વચ્ચે દારૂ પીવા બાબતે બોલાચાલી થયા બાદ મિતેષ ઉર્ફે મિતુએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું.આ કેસ જેતપુરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષ દ્વારા પોતાનો કેસ સાબિત કરવા માટે ૧૯ સાહેદોની જુબાની લેવામાં આવી હતી તેમજ ૩૧ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. બન્ને પક્ષોની દલીલો તેમજ રેકર્ડ પર રજુ થયેલા પુરાવાઓને ધ્યાને લઇ એડી.સેશન્સ જજ જે.એમ.ઠક્કરે આરોપી મિતેષ ઉર્ફે મિતુ રામજીભાઇ સરવૈયાએ હત્યાની  કલમ ૩૦૨ હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા રૂ.પાંચ હજાર દંડ ભરવા આદેશ કર્યો છે. અને દંડની આ રકમ ભરવામાં કસુર કરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. કે.એ.પંડ્યાએ દલીલો કરી હતી.(૭.૭)

(12:14 pm IST)