Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

કાલે નલિયા-ભચાઉમાં પડછાયો નહીં છવાય

ખાવડી, રાપર, લખપત, નારાયણ સરોવરમાં કયારેય સૂર્ય માથા ઉપર આવતો જ નથી : ર૧ જુન પછી પણ કચ્છમાં ફરીથી 'શૂન્ય છાયા'ની ઘટના સર્જાશે

ભુજ તા. ૧૩ :.. આજે બપોરના ૧ર વાગ્યાને પ૧ મીનીટે ભુજમાં જમીન ઉપર સીધી ઊભેલી વસ્તુઓનો પડછાયો ગાયબ થઇ જશે. આ ખગોળીય ચમત્કૃતિ સૂર્યના બરોબર માથે આવવાના કારણે થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે, દરરોજ બપોરે ૧ર વાગ્યે સૂર્ય માથે આવે છે, પરંતુ તે સાવ સાચું નથી.

આ બાબતે માહિતી આપતા કચ્છ એસ્ટ્રોનોમી કલબના પ્રમુખ નરેન્દ્ર ગોર જણાવે છે કે, પૃથ્વીની ધરી સાડા ત્રેવીસ એંશ નમેલી હોવાના કારણે વર્ષ દરમિયાન સૂર્યની ગતિ પૃથ્વી ઉપરના કર્કવૃત અને મકરવૃત વચ્ચે રહે છે. દિવસોની વધઘટ તથા ઋતુઓમાં બદલાવ પણ આ કારણે જ થાય છે. કચ્છમાં કર્કવૃત પસાર થતો હોઇ સૂર્ય જયારે કર્કવૃત ઉપર આવે છે ત્યારે  પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટુંકમાં ટૂંકી રાત્રીની ઘટના બને છે તે પહેલા જે દિવસે સૂર્ય માથા ઉપર આવશે તેવા સ્થળોએ તે દિવસે સ્થાનીક  મધ્યાહને એક મીનીટ માટે પડછાયો ગાયબ થઇ જશે. ભુજમાં આજે થયા પછી નલીયા, ભચાઉ ૧૪ જુનના જયારે નખત્રાણામાં ૧૬ જૂના આ ઘટના બનશે.

આ ઘટનાનું નિરીક્ષણ કરવા સ્થાનીક મધ્યાહન ટટ્ટાર ઊભી રહેલ વ્યકિત, વિજળીના કે વોલીબોલના થાંભલા કે ઊંચી સીધી દિવાલના પડછાયા જે તે વસ્તુ ઉપર જ પડતા હોવાથી પડછાયો જમીન ઉપર દેખાતો નથી.  ખાવડા, રાપર, લખપત, નારાયણ સરોવર જેવા સ્થળોએ સૂર્ય કયારેય માથા ઉપર આવતો નથી જેથી આવી ઘટના ત્યાં બનતી નથી. ર૧ જૂન બાદ સૂર્યની દક્ષિણાયન ગતિ શરૂ થતાં ભુજ, નલીયા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, વગેરે સ્થળોએ ફરીથી શૂન્ય છાયા દિનની ઘટના બનશે. (પ-૧૩)

(11:07 am IST)