Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2016

સાંસદ આદર્શ ગામ જાંબુડા ખાતે લોકાર્પણનો ત્રિવિધ કાર્યક્રમ : પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં પેથોલોજી લેબોરેટરી પૂનમબેન માડમે ખુલ્લી મુકી

જામનગર તા.  ૪ : દરેક સાંસદને તેઓના કાર્યકાળ દરમ્‍યાન ત્રણ ગામો દતક લેવાની જાહેરાત મુજબ જામનગરના સાંસદશ્રી દ્વારા દતક લીધેલ આદર્શ ગામ જાંબુડા ખાતે લોકાર્પણના ત્રિવિધ કાર્યક્રમને સાંસદ પૂનમબેન માડમે દિપપ્રાગટય કરી ખુલ્લો મુક્‍યો હતો. જેમાં સાંસદની ગ્રાન્‍ટમાંથી આશરે રૂ. ૮ લાખના ખર્ચે એમ્‍બ્‍યુલન્‍સ, જિલ્લા આયોજનની ગ્રાન્‍ટમાંથી આશરે રૂ. ૫ લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટેના વાહન તથા એ.ટી.વી.ટી યોજના અંતર્ગત આશરે રૂ. ૪ લાખના ખર્ચે ગામના દરેક કુટુંબને એક ડસ્‍ટબીન તેમજ બે ડોલ અર્પણ કરાયા હતા. સાથે સાથે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં કુલ ૧૭ પ્રકારના પેથોલોજી ટેસ્‍ટ માટેની લેબોરેટરીને ખુલ્લી મુકેલ હતી.   

પૂનમબેન માડમે જણાવ્‍યું હતું કે, આ ત્રિવિધ કાર્યક્રમ એટલે કે એમ્‍બ્‍યુલન્‍સ, ઘન કચરાના વાહન સાથે સાથે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં પેથોલોજી ટેસ્‍ટ માટેની લેબોરેટરીના લોકાર્પણ પ્રસંગે આપ સૌ ગામજનોને અભિનંદન. સૌ એક થઇ વિકાસના કામોમાં જોડાવ અને આદર્શ ગામને સાચા અર્થમાં આદર્શ ગામ બનાવવા સમગ્ર ગામજનોને તેમજ નવી પેઢીને વ્‍યસનની દિશામાં આગળ ન વધવા એક મોટી બહેન તરીકે હદય પુર્વકની વિનંતી કરી અને સમગ્ર ગામને વ્‍યવસન મુક્‍ત કરવા ગામજનોને સાંસદશ્રીએ અનુરોધ કરેલ હતો. 

ઘર દીઠ બેરોજગારોને તાલીમ આપી કોઇપણ કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્રો સાથે જોડી તેમને રોજગારીની તક મળે તે માટેની જવાબદારી સાંસદ લઇ ગામને સમરશ, શિક્ષિત, નિરોગી અને વ્‍યસન મુક્‍ત ગામ બનાવવા આગળ આવવા ગામજનોને અપીલ કરેલ હતી.

કાલાવડના ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડાએ  લોકોને પોતાના મનમાં રહેલ કચરાને સાથે મળીને સાફ કરવા અને ગામને સુંદર અને સ્‍વચ્‍છ રાખવા અનુરોધ કરેલ હતો.

આ તકે તાલુકા શાળાની બાળાઓ દ્વારા પ્રાથના ગીત અને નાની બાળા સપનાબેન દ્વારા બેટી બચાવો જેવી કૃતિઓ રજુ કરેલ હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં શાબ્‍દિક સ્‍વાગ્‍ત જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી પાઠક દ્વારા જયારે  સંચાલન આરોગ્‍ય શાખાના શ્રી રાજાણીએ જયારે આભારવિધિ જાંબુડા ગામના સરપંચ સંજયભાઇ ગઢવીએ કરેલ હતું.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી શ્રી બથવાર, જિલ્લા આયોજન અધિકારી શ્રી ટોપરાણી, જાંબુડાના ઉપ સરપંચ વિજયભાઇ ગઢવી, અગ્રણી સુર્યકાંતભાઇ,  જેન્‍તીભાઇ, તાલુકા પંચાયતના સદસ્‍ય કાસમભાઇ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના ડોકટર, સ્‍ટાફનર્સ, કલ્‍યાણ પોલીટેકનીકના વિદ્યાર્થીઓ  તથા બહોળી સંખ્‍યામાં આદર્શ ગામ જાંબુડાના લોકો ઉપસ્‍થિત રહ્યાં હતા.(૨૧.૧૩)

 

(1:29 pm IST)