Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

ગોંડલના દેરડી કુંભાજી ગામે સિંહ પરિવારના ધામા : ત્રણથી ચાર સાવજ હોવાનું અનુમાન

સિંહોએ 10થી 15 ગાયો પર હુમલો કરીને 2 ગાયના મારણ કરેલ ; એક ગંભીર

રાજકોટઃ ગોંડલના દેરડી કુંભાજી ગામે સિંહ પરિવારે ધામા નાખ્યો છે. સિંહ પરિવારે  ગત રાત્રે બે ગાયનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. જંગલ ખાતાના અધિકારીઓ અનુસાર અહીં 3-4 સિંહ હોવા જોઈએ.

છેલ્લા કેટલાક સમયથી સિંહ ગીરનું જંગલ છોડીને આજુબાજુના વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.ચોટીલાના ડુંગરોમાં જોવા મળ્યા પછી હવે સિંહ ગોંડલના દેરડી કુંભાજી ગામે જોવા મળ્યા છે. ગઈકાલે આ સિંહોએ રખડતી 10થી 15 ગાયના ટોળા પર હુમલો કર્યો હતો, જેમાં 2 ગાયના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

સિંહઓએ કપાસના ખેતરમાં ગાયનું મારણ કર્યું હતું અને મોડી રાત્રે ગાયની મિજબાની માણતા ઝડપાઈ ગયા હતા. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, જે રીતે હુમલો થયો છે તે જોતાં 3થી 4 સિંહ હોવા જોઈએ. ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ધામાની વાત વાયુવેગે ફેલાઈ જતાં ખેડૂતો, ખેતમજુરો અને માલધારી સહિત ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે.

 

(12:25 am IST)