Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

જૂનાગઢમાં ૨૫ જેટલા શખ્સોના ખૂની હુમલામાં રજાકશા રફાઇનું રાત્રે સારવારમાં મૃત્યુ

બનાવ હત્યામાં પલટાતા સનસની - જામનગર ખાતે પીએમ

જૂનાગઢ તા. ૨૦ : જૂનાગઢમાં ૨૫ જેટલા શખ્સોએ તાજેતરમાં કરેલા ખૂની હુમલામાં રજાકશા રફાઇ નામના યુવાનનું રાત્રે સારવારમાં મૃત્યુ નિપજતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.

મૃતક યુવાનનું જામનગર ખાતે પેનલ પી.એમ. હાથ ધરવામાં આવેલ છે.

અહીં મજેવડી દરવાજા બહાર ભારત મીલના ઢોરા વિસ્તારમાં રહેતા ફકીર રજાકશા અકબરશા રફાઇ (ઉ.વ.૧૯) નામના યુવાન સાથે અગાઉ થયેલ માથાકુટનું મનદુઃખ રાખી ગત તા. ૧૫ની રાત્રે મહેબુબ હબીબ સુમરા સહિત ૨૦થી ૨૫ જેટલા શખ્સે રજાકશાના ઘરે ધસી ગયા હતા.

બાદમાં આ ઇસમોએ ધારિયા, તલવાર, ધોકા, પાઇપ અને પથ્થર વડે હુમલો કર્યો હતો. જેમાં રજાકશા ઉપરાંત સલીમશા, જમાલશા, ઇરફાન, રેશ્માબેન અને શબાનાબેન સહિત છ વ્યકિતને ઇજા થઇ હતી.

જેમાં રજાકશા અકબરશાને વધુ ગંભીર ઇજા થતાં તેને જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

ગત રાત્રે રજાકશાનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં એ-ડીવીઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તમામ ૨૫ હુમલાખોરો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

(11:30 am IST)