Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગુજરાત સરકારની સાનુકૂળ નીતિ અને પ્રોત્સાહક યોજનાઓને લીધે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમાં સમગ્ર દેશમાં નંબર વન છેઃ ભુપેન્દ્રભાઈ પટેલ

આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ગુજરાત ચોતરફી વિકાસ સાથે આગળ વધી રહ્યું છે- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે નયારા એનર્જી ના પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શિલાન્યાસઃ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંઘ પુરીએ પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો : ગુજરાત ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં સતત અગ્રેસરઃ ગુજરાતમાં શાંતિ સલામતી અને સરકારે ઉભા કરાયેલા સાનુકુળ વાતાવરણના કારણે રોકાણ વધી રહ્યું છેઃ વાઇબ્રન્ટમાં જોડાવા મુખ્યમંત્રીશ્રીનું આમંત્રણ : પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમી તરફ દેશ આગળ વધી રહ્યો છે - કેન્દ્રીય પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંઘ પુરી

દેવભૂમિ દ્વારકાઃ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં નયારા એનર્જી દ્વારા નિર્મિત પેટ્રોકેમિકલ પ્રોજેકટનો શિલાન્યાસ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સાનુકૂળ નીતિ અને પ્રોત્સાહક યોજનાઓને લીધે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટ માં સમગ્ર દેશમાં નંબર વન છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં  ગુજરાત   રાજ્ય ચોતરફી વિકાસ થી આગળ ધપી રહ્યું છે.

સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ થકી ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણ આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ નયારા એનર્જી સહિતનાઔદ્યોગિક ગ્રુપને સ્થાનિક યુવાનોને વધુ ને વધુ રોજગારી આપવાનું આહ્વાન કર્યું હતું. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ગુજરાત અગ્રેસર છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટમાં જોડાવા માટે ઉદ્યોગકારોને આમંત્રિત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ અંગે કંપનીના ચેરમેન સહિત સૌ કર્મયોગીઓને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ નેચરલ ગેસ અને શહેરી તથા આવાસ બાબતોના મંત્રી શ્રી હરદીપસિંઘ પુરીએ પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પાંચ ટ્રીલિયન ડોલર ઈકોનોમીના અભિયાનમાં પેટ્રો કેમિકલ્સ સેકટરનું મહત્વનું યોગદાન છે. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા દેશમાં રાજ્યો અને કેન્દ્ર સામુહિક પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાની મહામારીમાં પણ ભારતમાં થઇ રહેલા વિકાસની વાત કરી કેન્દ્રીય મંત્રીશ્રીએ નયારા એનર્જીના પ્રોજેક્ટ અંગે શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારની યોગ્ય નીતિ-રીતિ તથા પ્રોત્સાહનને કારણે કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહેલું ગુજરાત હવે ઔદ્યોગિક ક્ષેત્રે પણ નંબર વન બન્યું છે.

આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ માત્ર નયારાનો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને સ્પર્શતો કાર્યક્રમ છે.સરકાર દ્વારા વિદેશી નિવેશકોને ઉચિત વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.આ પ્રોજેકટ થકી અનેક લોકોને રોજગારી મળશે તેમજ સમગ્ર વિસ્તાર સમૃદ્ધિ અને વિકાસની દિશામાં આગળ વધશે.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોનોનું શાબ્દિક સ્વાગત કરતા નયારા એનર્જીના ચેરમેનશ્રી ટોની ફાઉન્ટેને જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થ વ્યવસ્થાઓમાંની એક છે અને ભારતની અંદર ગુજરાત વ્યવસાય કરવા માટે અત્યંત લાભદાયી છે.અમારા વ્યવસાયને ટેકો આપવા બદલ અમે રાજ્ય તથા કેન્દ્ર સરકારના આભારી છીએ.

આ કાર્યક્રમમાં નયારા એનર્જી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 500 હેન્ડ વોશિંગ સ્ટેશનોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.જેના ભાગરૂપે જિલ્લાના બે ગામોના સ્ટેશનોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ મુખ્યમંત્રીશ્રીએ આ તકે C.S.R. એક્ટિવિટીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે સામાજિક અગ્રણીશ્રી ભીખુભા વાઢેર તરફથી જામનગરની સમર્પણ હોસ્પિટલને 1.25 કરોડનો ચેક મુખ્યમંત્રીશ્રીને એનાયત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે કંપનીના સી.ઇ.ઓ. શ્રી ડો.એલોઇસ વિરાગે આભારવિધિ કરતા જણાવ્યું હતું કે આજની આ ઇવેન્ટ સમૃદ્ધ રાજ્ય-વાઇબ્રન્ટ ગુજરાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે.ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત 2019 અંતર્ગત કરાયેલ સમજૂતી કરાર મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી નયારા એનર્જીના 450 KTPA પેટ્રોકેમીકલ્સ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહી છે.આ પ્રોજેક્ટ રૂ.6500 કરોડના ખર્ચે પૂર્ણ થશે અને જેના થકી 4 હજાર જેટલો લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, રાજીબેન મોરી, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ચનીયારા, શ્રી ખીમજીભાઈ જોગલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(5:46 pm IST)