Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

છોડવડી ગામે વ્યાજની ચુંગાલમાંથી છોડાવી દાગીના પરત લેવડાવી ત્રાસ દૂર કરાવતી ભેંસાણ પોલીસ

જૂનાગઢ,તા.૨૦ : રેન્જના ડીઆઈજી શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વાર્રાં  વ્યાજખોરો વિરુદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નમ્બર (પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી, જૂનાગઢ મોબાઈલ નંબર  ૯૯૭૮૪ ૦૭૮૯૮ ઉપર તેમજ શ્રી એચ.આઇ. ભાટી, પો.ઇન્સ., સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોબાઈલ નંબર ૯૭૨૭૭ ૨૨૪૮૮ ઉપર તથા  અથવા પોલીસ કંટ્રોલ રૂમ) આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે લોકો મદદ માંગતા જૂનાગઢ પોલીસ તરફથી અવાર નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.

ભેસાણ તાલુકાના છોડવડી ગામે રહેતા અને કેબિન રાખી, પોતાનું ગુજરાન ચલાવતા એક યુવાન દ્વારા પોતાની જરીરીયાતના કારણે તેમજ માતાની સારવાર કરાવવા માટે આજુબાજુના ગામના ૬ થી ૭ લોકો પાસેથી થોડા થોડા રૂપિયા વ્યાજે લીધેલા અને વ્યાજ ચૂકવવાની લ્હાય માં વ્યાજની રકમ વધતી જતી હોય, પોતાની પત્નીના ઘરેણાં સોનીને ત્યાં વ્યાજે મૂકી પણ રૂપિયા વ્યાજે લેતા, બે અઢી વર્ષ સુધી વ્યાજના દર મહિને રૂપિયા ચૂકવવા છતાં, યુવાનનું વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું. સોની પણ પત્નીના સોનાના ઘરેણાં ખંડાવી નાખવાની ધમકી આપતો અને માતબર રકમ ચુકવ્યા બાદ, અરજદાર દ્વારા વ્યાજને પહોંચી શકાય એમ ના હોઈ, વ્યાજ ખોર દ્વારા પેનલ્ટી નક્કી કરી, પોતાની પત્નીના સોનાના ઘરેણાં ખોવાનો વારો આવેલ હતો. અરજદાર દ્વારા વ્યાજખોરને વ્યાજ આપી દીધા બાદ, પેનલ્ટી સહિત ત્રણ ગણા રૂપિયા વ્યાજના ચઢાવી, અરજદારની માતા બીમાર હોવા છતાં, ઘરે જઈને હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, અરજદાર પોતાની માતાને પોતાની બહેન સાથે ગામ ઉપર રાખી, પોતાની પત્ની સાથે રાજકોટ રહેવા ગયેલ હતો અને મજૂરી કરવા લાગેલ હતો. જ્યારે પોતાની માતાની ખબર કાઢવા પોતાના ગામ છોડવડી આવે તો, તરત જ વ્યાજવાળા પાછળ પડતા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર દ્વારા સામુહિક આત્મહત્યા કરવાનું પણ વિચારેલ અને  અને ગમે તેમ કરે તો પણ વ્યાજખોરોના વ્યાજને પહોંચી શકે તેમ ના હોઈ, માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ કોઈ રસ્તોના હોઇ, ડીવાયએસપી -દીપસિંહ જાડેજાને અરજદાર દંપતી રૂરૂ મળી, આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ હતું.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.ગઢવી તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, કનકસિંહ, વિપુલસિંહ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, વ્યાજખોરને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવી દેતા,  અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું.  ગામના સોનીને પણ પોલીસની ભાષામાં સમજાવતા અરજદારના લીધેલા સોનાના તમામ દાગીના તરત જ  પરત પણ આપી ગએલ હતો. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને પોતાની પત્નીના સોનાના દાગીના પણ પરત અપાવતા, ફોન કરીને જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો અને અરજદારની પત્નીના સોનાના દાગીના પરત મળતા, ખુશ થઈને જો પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની લાગણી વ્યકત કરી હતી.

 જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ડાઉનના કપરા સંજોગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરી નો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમના કારણે ભેસાણ તાલુકાના છોડવડી ગામના અરજદારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી, પત્નીની સોનાના દાગીના પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી, અરજદારની જિંદગી બચાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે. 

(1:16 pm IST)