Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મોરબી આત્મનિર્ભર ગ્રામયાત્રાના બીજા દિવસે ઠેરઠેરથી આવકાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા આ ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગામ યાત્રા અંતર્ગત મોરબીમાં બીજા દિવસે ત્રાજપર, ઘુંટુ, જેતપર, મહેન્દ્રનગર, ચરાડવા, માથક, ઢુંવા, ચંદ્રપુર જિલ્લા પંચાયતની બેઠકોમાં સમાવેશ થતાં ગામોમાં યાત્રાનું આગમન થયું હતું. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રથને આવકાર આપ્યો હતો.

આત્મનિર્ભર યાત્રાના બીજા દિવસે મોરબી તાલુકાના માળીયા વનાળીયા, આંદરણા, ભરતનગર તેમજ મહેન્દ્રનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે હળવદના નવા દેવળીયા, માથક તેમજ વાંકાનેરના માટેલ તેમજ લુણસર ખાતે પણ આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રથ દ્વારા સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો પ્રચાર- પ્રસાર ફિલ્મો, કિવકી, પેંફલેટ, વિગેરેના માધ્યમથી કરવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન, વિવિધ કેમ્પ અને નિદર્શન શિબિરો, યોજનાકીય લાભોના પેમ્ફલેટ વિતરણ, પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ ત્રણ દિવસ દરમિયાન વિવિધ રૂટો પર ગ્રામ્યકક્ષાએ ફરીને મોરબી જિલ્લાના ૩૫૯ જેટલા ગામોમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપવાનું ભગીરથ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર યાત્રા દરમિયાન યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ખેતીવાડી, આરોગ્ય, પશુપાલન સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, સરપંચઓ, સ્થાનિક પદાધિકારીઓ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:06 pm IST)