Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વેરાવળના વડોદરા ડોડિયામાં પૂર્વ જિ.પં. સામાજીક ન્યાય સમિતી ચેરમેનની હત્યા

રાજકીય આગેવાનની હત્યા કર્યા બાદ આરોપીએ બે પોલીસમેન પર પણ પાવડાથી હુમલો કર્યો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: તાલુકાના વડોદરા ડોડિયા ગામે રહેતા જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતીના પૂર્વ ચેરમેનની એક શખ્સ મોડી રાત્રે પાવડાના ૧૦ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. મૃતકને પાવડાના ઘા માર્યા બાદ આરોપીએ બે પોલીસમેન પર પણ પાવડાથી હુમલો કર્યો હતો. અને બાદમાં તે નાસી છૂટ્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, દલિત અગ્રણી ભીમાભાઇ સીદાભાઇ આમહેડા (ઉં.૬૨) રાત્રે ૧૦ વાગ્યે પોતાના જ ગામના ઝાંપે ગયા હતા. ત્યારે તેજ ગામના કરશનભાઈ અરજણભાઇ સોલંકી હાથમાં પાવડો લઈ બિભત્સ શબ્દો બોલતો હોય જેને બોલવાની ના પાડતા કરશનભાઈ અરજણભાઇ સોલંકીએ માથાકૂટ કરતા પોલીસને ફોન કર્યો હતો. આથી પ્રભાસપાટણ હેડ કોન્સટેબલ જીતુભાઇ ચુડાસમા અને કોન્સટેબલ પ્રવિણભાઈ બાંભણિયા ત્યાં પહોંચ્યા હતા. જોકે, આરોપીએ પાવડાના ૧૦ ફટકા મારી દેતાં ભીમાભાઈ ત્યાંજ ઢળી પડ્યા હતા. અને તેમનું મોત નિપજયું હતું. બનાવ વખતે હાજર પોલીસમેનોને પણ આરોપીએ પાવડાના ઘા મારી દેતાં તેઓને પણ સામાન્ય ઇજા થઇ હતી આથી બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

બનાવની જાણ થતાં દલિત આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા. બનાવની પાછળ રાજકીય રાગદ્રેશ કારણભૂત હોવાનું મૃતકના ભત્રીજા અને ગામના સરપંચ દિનેશભાઇ આમહેડાએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ વડોદરા ડોડિયા ગામે અને હોસ્પિટલે દોડી ગઇ હતી. અને ઘાયલ પોલીસમેનો તેમજ મૃતકના સગાંઓના નિવેદનો લઇ આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

સોમનાથ મરીન પોલીસ ૩૦૨,૧૩૫,એટ્રોસીટી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:05 pm IST)