Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ત્રીજે દિ' સૂર્યદેવના દર્શન વાદળા વિખેરાતા ખેડૂતોને હાશકારો

પવનનું જોર ઘટયુ : ઠંડકમાં ઘટાડો યથાવત : મધરાતથી વાતાવરણ સામાન્ય બન્યું

રાજકોટ તા. ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં બે દિવસ કમોસમી વરસાદ પડયા બાદ આજે ત્રીજા દિવસે સૂર્યનારાયણે દર્શન દેતા ખેડૂતોને હાશકારો થયો છે.

પવન અને ઠંડકનું જોર ઘટયું છે. ગત રાત્રીથી વાતાવરણ સામાન્ય બન્યું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કારતકે અષાઢી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો.

કાલે જૂનાગઢ અને ગિર પંથકમાં જાણે કે ચોમાસુ હોય એમ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બિલખા પંથકમાં ત્રણ ઇંચ અને વિસાવદરમાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને નદીઓમાં પૂર આવ્યા છે. બે ઇંચ જેટલા વરસાદથી વિસાવદરના ધ્રાફડ ડેમનો એક દરવાજો ખોલવો પડયો છે. આ ઉપરાંત ધાવા ગિર પંથકમાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૨૮.૫ મહત્તમ, ૨૦ લઘુત્તમ, ૫૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. ખંભાળીયા અને કલ્યાણપુર પંથકમાં વરસાદી ઝાપટા થતા ખેડૂતો પરેશાન થયા હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ વચ્ચે ઝાપટા પડયા હતા. વાડીનાર, બાકોડી, સતાપર, દેવળીયા સહિતના કેટલાક ગામોમાં કમોસમી વરસાદી ઝાપટા પડયા હતા. વાતાવરણનો મિજાજ બદલાતા શિયાળુ પાકનુ નુકસાન થવાની ભીતી છે. જિલ્લામાં માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે રોડ પરથી પાણી વહી ગયા. ગઇકાલે ગોંડલ ચોકડીથી હોટલ ગ્રીન સુધી જોરદાર ઝાપટા પડી ગયા હતા. કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો. રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

ર૧.૬ ડીગ્રી

અમરેલી

૧૯.૭ ,,

વડોદરા

ર૧.૦ ,,

જામનગર

ર૦.૦ ,,

ભાવનગર

રર.૮ ,,

ભુજ

ર૦.૦ ,,

નલીયા

૧૮.૮ ,,

પોરબંદર

રર.૩ ,,

રાજકોટ

ર૧.ર ,,

સાસણગીર

ર૩.પ ,,

સુરત

ર૩.૦ ,,

વેરાવળ

ર૩.પ ,,

જુનાગઢ

૧૯.૭ ,,

કંડલા

ર૧.પ ,,

(11:51 am IST)