Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મુંદ્રામાં કન્ટેનરમાં રેડિયો એકિટવ પદાર્થ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ

ભુજ તા. ર૦: કચ્છના મુંદ્રામાં કન્ટેનરમાં રેડિયો એકિટવ પદાર્થ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ પર કસ્ટમ વિભાગ અને ડીઆરઆઇ (ડિરેકટોરેટ) ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ની સંયુકત ટીમે પાકિસ્તાનથી ચીન મોકલવામાં આવતા સંખ્યાબંધ કન્ટેઇનરો જપ્ત કર્યા છે. આ કન્ટેઇનરોમાં હાનિકારક રેડિયોએકિટવ પદાર્થો ચીન મોકલવામાં આવી રહ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે કન્ટેઇનરોની વાંધાજનક સામગ્રી છુપાવવામાં આવી હતી. જપ્ત કરાયેલા કાર્ગો કન્ટેઇનર્સ કરાંચીથી ચીનના શાંઘાઇમાં મોકલવામાં આવી રહ્યો હતો. ભારતીય એજન્સીઓએ હાનિકારક સામગ્રી સાથેના કુલ સાત કન્ટેનરો જપ્ત કર્યા હતા.

અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાર્યો કન્ટેઇનર નોન-હેઝાર્ડસ તરીકે લીસ્ટેડ હતા. જપ્ત કરાયેલા કન્ટેઇનર્સમાં કલાસ-૭ માર્કીંગ ધરાવતી સામગ્રી હતી. રેડિયોએકટીવ સામગ્રી માટે આ માર્કીંગ અપાય છે. ૧૮ નવેમ્બરના રોજ કસ્ટમ્સ અને ડીઆરઆઇની ટીમે મુન્દ્રા બંદરે વિદેશી જહાજ પરના સંખ્યાબંધ કન્ટેઇનરો જપ્ત કર્યા હતા.

અદાણી પોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કન્ટેઇનર્સ સાથેનું જહાજ મુન્દ્રા કે દેશના અન્ય કોઇ બંદરે લાંગરવાનું નહોતું. સરકારી એજન્સીઓના અધિકારીઓ આ જહાજને અટકાવીને વધુ તપાસ માટે મુન્દ્રા બંદર લાવ્યા હતા. એપીએસઇઝેડ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, પોર્ટ ઓથોરિટી દ્વારા કસ્ટમ્સ તથા ડીઆરઆઇના અધિકારીઓને આ ઓપરેશન માટે તમામ સહકાર આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ત્વરિત કાર્યવાહી બદલ કસ્ટમ્સ તથા ડીઆરઆઇની ટીમનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

(11:50 am IST)