Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વટામણ ચોકડી પાસે અકસ્માતમાં પાલીતાણા યાત્રા કરીને પરત ફરતા ખંભાતના ૫ વ્યકિતના મોત

વહેલી સવારે ઇકો કાર અને ટેન્કર વચ્ચે દુર્ઘટના : ૪ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૦ : વટામણ - ભાવનગર હાઇવે ઉપર આજે વહેલી સવારે ઇકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પાલીતાણા યાત્રા કરીને પરત ફરી રહેલા ખંભાતના ૫ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતમાં ૪ને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.

અમદાવાદ જીલ્લાના નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આજે ધોળકાના વારણા ગામ પાસે વહેલી સવારે કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૃં ઉડી ગયા હતા. જયારે ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કોઠ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઇકો કારના કૂરચે કૂચરા ઉડી ગયા હતા તેના પરથી જાણી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે. વટામણ ભાવનગર હાઇવે પર આવેલા વારણા ગામ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ઇકો કારમાં સવાર તમામ લોકોના મોતને ભેટ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મૃતક તમામ ખંભાતના રહેવાસી હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને ખંભાતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.ઙ્ગ

પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરૂણ મોત નીપજયાં હતાં.

(2:32 pm IST)