Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સોમનાથ મંદિરે કાર્તિક પૂર્ણિમા મહાપર્વે પૂજન-અર્ચન

પ્રતિવર્ષ યોજાતો પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમા મેળો આ વરસે પણ કોરોના સાવચેતી કારણે બંધ રહ્યો

પ્રભાસ-પાટણ-વેરાવળ તા. ર૦: વિશ્વ પ્રસિધ્ધ ભારતના બાર જયોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આજે કાર્તિક પૂર્ણિમાના પવિત્ર પર્વે દેવાધિદેવને સંધ્યા શણગાર ઉપરાંત રાત્રે ૧૦-૪પ કલાકે મહાપૂજા અને રાત્રે ૧ર-૦૦ કલાકે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

આજે મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રીના એક વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવ્યું.

પ્રતિવર્ષ સોમનાથ મહાદેવ મંદિરે પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથ મહાદેવ સાનિધ્યમાં યોજાય છે લોકો આનંદ-પ્રમોદ-ભકિત તથા ગીરનારની પરિક્રમા પૂર્ણ થયાની મેદની સોમનાથ ઠલવાય છે.

પરંતુ ૧૯પપ થી નિયમીત રીતે યોજાતો મેળો ર૦૧૯ માં વાયુ વાવાઝોડાને કારણે છેલ્લી ઘડીએ મંજુરી મળતાં માત્ર ત્રણ દિવસ યોજાયો જયારે ર૦ર૦માં કોરોના સાવચેતીને કારણે સંપૂર્ણ બંધ રહ્યો જયારે ચાલુ વરસે ર૦ર૧માં કોરોના અગમચેતી કારણે મેળો યોજાયો નથી.

કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહે છે આસ્થા ભાવિકોના મતે કાર્તિક પૂર્ણિમાએ સોમનાથ મહાદેવના મધરાત્રે શિખર ઉપર ચંન્દ્ર એવી રીતે સિખરની સીધી લીટીમાં ગોઠવાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રને મસ્તક ઉપર ધારણ કર્યો હોય અને ચંન્દ્ર પણ શિવ ધ્યાન્સ્થ બન્યો હોય તેવી આકાશીભાવ સ્થિતિ સર્જાય છે.

આ વરસે મેળો ન હોવાને કારણે બહુ મોટી માનવ મેદની નથી પરંતુ શાળાઓનું વેકેશન ચાલુ હોઇ વાહન વ્યવહાર રાબેતા મુજબનો બન્યો હોઇ અને કોરોના પણ હળવો થયો હોય જેથી યાત્રિકો-પ્રવાસીઓ સારી સંખ્યામાં સોમનાથ દર્શને આવ્યા છે.

(11:53 am IST)