Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

જામકંડોરણા પંથકમાંથી ૧૦૦થી વધુ મહિલાઓ સાથે લાખોની ઠગાઈ કરનાર અમદાવાદનો યુવરાજસિંહ પકડાયો

લોકડાઉન પૂર્વે ગરીબ મહિલાઓ માટે સિલાઈ મશીન વિતરણની સ્કીમ નીકળી હોવાનું કહી મહિલા દીઠ ૬૫૦ રૂ. ખંખેરી લીધા ! : જામનગર અને કલ્યાણપુર પંથકની મહિલાઓ સાથે પણ ઠગાઈ કર્યાનું ખુલ્યુઃ ઠગબાજ પાસેથી અડધા લાખની રોકડ રકમ કબ્જે

રાજકોટ, તા. ૨૦ :. લોકડાઉન પૂર્વે જામકંડોરણા પંથકમાંથી ૧૦૦થી વધુ મહિલાઓને સિલાઈ મશીન આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર અમદાવાદના ઠગને જામકંડોરણા પોલીસે દબોચી લઈ પૂછતાછ હાથ ધરી છે. આ ઠગબાજે જામનગર તથા કલ્યાણપુર પંથકમાં પણ અનેક મહિલાઓનું ફુલેકુ ફેરવ્યાનું ખુલ્યુ છે.

મળતી વિગતો મુજબ જામકંડોરણામાં ચાંદની ચોકમાં રહેતા પ્રફુલ્લાબેન લલીતભાઈ દવેએ અમદાવાદના યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયા (રહે. મૂળ નાના વાણેજ ગામ તા. માળીયાહાટીના) સામે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીના મોબાઈલ ફોન દ્વારા કોન્ટેકટ કરી ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઈ ગરીબ મહિલા લાભાર્થીઓ માટે સિલાઈ મશીન વિતરણની સ્કીમ નીકળી હોવાનું જણાવી એક મહિલા લાભાર્થી દીઠ ૬૫૦ રૂ. ઉઘરાવવાનું કહેતા ફરીયાદીએ ૧૦૦થી વધુ મહિલાઓ પાસે ૧.૮૭ લાખની રકમ ઉઘરાવી આરોપીને આંગડીયા મારફત અમદાવાદ મોકલી આપ્યા હતા. બાદમાં આરોપી યુવરાજસિંહ ઉર્ફે રામ  જુંજીયા સિલાઇ મશીન ન મોકલી ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી કરી હતી.

આ ફરિયાદ અન્વયે જામકંડોરણા પોલીસે આરોપી યુવરાજસિંહ સામે આઇ.પી.સી. ૪૦૬, ૪ર૦ મુજબ ગુન્હો દાખલ કરી જામકંડોરણાના પી.એસ.આઇ. જે. યુ. ગોહેલ તથા રાઇટર મનજીભાઇ સહિતના સ્ટાફે આરોપી યુવરાજસિંહને દબોચી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી યુવરાજસિંહે લોકડાઉન પૂર્વે ફરિયાદી મહિલાનો ફેસબુક મારફત કોન્ટેકટ કર્યો હતો. બાદમાં સરકાર દ્વારા ગરીબ મહિલાઓ માટે સિલાઇ મશીન વિતરણની સ્કીમ નીકળી હોવાનું જણાવી ગરીબ મહિલાઓનું સંગઠ્ઠન બનાવવા કહ્યું હતું. બાદમાં દરેક મહિલા દીઠ ૬પ૦ રૂ. ફરિયાદી મારફત ઉઘરાવી સિલાઇ મશીન મોકલ્યાનું કહ્યું હતું. બાદમાં કોરોના કારણે લોકડાઉન આવી જતા સિલાઇ મશીન મોકલવામાં ગલ્લા તલ્લા કરતો હતો. જો કે, લોકડાઉન પૂર્ણ ગયા બાદ પણ આરોપી યુવરાજસિંહે સિલાઈ મશીન ન મોકલતા મહિલાઓ છેતરાઈ હોવાનો અહેસાસ થતા અંતે પોલીસમાં ફરીયાદ કરી હતી.

જામકંડોરણા પોલીસે આરોપી યુવરાજસિંહ પાસેથી અડધા લાખની રોકડ રકમ કબ્જે કરી છે. આરોપીએ જામકંડોરણા ઉપરાંત જામનગર તથા કલ્યાણપુર પંથકમાં પણ અનેક મહિલાઓ સાથે છેતરપીંડી કર્યાનું ખુલ્યુ છે. જામકંડોરણાના પીએસઆઈ જે.યુ. ગોહેલ તથા સ્ટાફે આરોપીનો કોવીડ ટેસ્ટ કરાવી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(11:34 am IST)