Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સાવરકુંડલામાં એક જ રાત્રીના ૮ જગ્‍યાએ ચોરી કરનારા તસ્‍કરોની શોધખોળ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૦ :  સાવરકુંડલા ખાતે રવિવારની રાત્રે તસ્‍કરોએ તરખાટ મચાવી પોલીસને પડકાર ફેંકતા હોય તેમ એક સાથે આઠ જગ્‍યાએ ચોરી અને ચોરીનો પ્રયાસ કરતા શહેરભરમાં ભયનું લખુલખુ પ્રસરી ગયું છે.

બનાવની પોલીસમાં નોંધાયેલી વિગત મુજબ સાવરકુંડલાના નેસડી રોડ ઉપર આવેલા લોખંડના ચાર કારખાના અને શિવલીલા રેસીડેન્‍સીમાં ચાર રહેણાંક મકાનમાં તા. ૧૮-૯ ના રવિવારની રાત્રી દરમ્‍યાન તસ્‍કરોએ ચોરી કરી છે. ફરીયાદી ભરતભાઇ છગનભાઇ રાઠોડે ફરીયાદમાં જણાવ્‍યું છે કે તે અને તેના બે ભાઇઓમાંથી ત્રણેના પરિવાર અમદાવાદ ખાતે પારિવારિક પ્રસંગમાં ઘર બંધ કરીને ગયા હતા.  ત્‍યારે રાત્રીના સમયે કોઇ અજાણ્‍યા શખ્‍સો ત્રણેય ભાઇઓની ઘરમાં પ્રવેશી રૂમનાં દરવાજા અને તીજોરીના દરવાજા તોડી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા ચોરી ગયા છે. જેમાં ભરતભાઇ છગનભાઇ રાઠોડને ત્‍યાંથી દોઢ લાખ રોકડા અને દોઢ લાખના ઘરેણા-દર્શિલ દિલીપભાઇ રાઠોડને ત્‍યાંથી એકતાલીશ હજારનાં દાજીના પ્રદિપ છગનભાઇ ઘરેથી બે લાખ રોકડા અને દોઢ લાખના દાગીના એમ કુલ સાડા પાંચ લાખ રૂપિયાના માલસામાન ચોરી થઇ છે. જયારે તે જ રાત્રે તે જ વિસ્‍તારમાં આવેલા ગીરી સ્‍કેલ નિલકંઠ મેટલ શ્રીજી મેટલ અને દિવાવાળા એન્‍ડ સન્‍સ નામનાં લોખંડવાળા કારખાનામાં પણ ચોરી અને ચોરીનો પ્રયાસ થયો છે. પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ પી.આઇ.ડી.કે. વાઘેલા એ હાથ ધરી છે.  જયારે અન્‍ય એક બનાવમાં મહુવા રોડ ઉપર આવેલા બાલુભાઇ વાઘજીભાઇ કથિરીયાની વાડીમાંથી તા. ૧૮-૯ ના રાત્રી દરમ્‍યાન સબ મર્શીબલ પંચનો વાયર  કિંમત રૂા. ૧૪૦૦૦ નો કોઇ તસ્‍કરો ચોરી ગયાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. શહેરમાં એક જ રાત્રીમાં એક સમય ચોરીના બનાવ બનતા શહેરીજનોમાં ગભરાટનું વાતાવરણ ઉભુ થયું છે.

(12:59 pm IST)