Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જૂનાગઢ રેલ્વે સ્ટેશન કન્સલટેટીવ કમિટીના દસ સભ્યોની નિમણૂંક કરાઇ

જનતાની લાગણી સરકાર અને મંત્રાલય સુધી પહોંચાડવાનો નિર્ધાર : દિલ્હી અને ઉત્તર ભારતની નવી ટ્રેન, ઓવરબ્રીજ, રિટાયરીંગ રૂમ, ફાટકો પહોળા કરવા સહિતના મહત્વના મુદ્દાઓની આગામી બેઠકમાં ચર્ચા કરાશેઃ મનસુખભાઇ વાજા, ભાવેશભાઇ વેકરિયા, ડો.પાર્થ ગણાત્રા, રૂપલબેન લખલાણી, કિશોરભાઇ ચોટલીયા વગેરે સભ્યોની વરણીઃ સ્ટેશન માસ્તર ભાર્ગવની કામગીરીને આવકારતા કમિટીના સભ્યો

જુનાગઢ તા.૨૦: પ્રજાજનો અને તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરતી જૂનાગઢ રેલ્વે સ્ટેશન કન્સલટેટીવ કમિટીમાં દસ સભ્યોની વરણી કરવામાં આવી છે. ખાસ કરીને સમાજસેવાને વરેલા આગેવાનોની થયેલી આ વરણી બાદ હવે આગામી દિવસોમાં સભ્યોની એક બેઠક મળશે. જેમાં જૂનાગઢના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરીને પ્રજાનો અવાજ સરકાર અને મંત્રાલય સુધી રજૂ કરવામાં આવશે.

જૂનાગઢ રેલ્વે સ્ટેશન કન્સલટેટીવ કમિટીમાં સભ્ય તરીકે નિમાયેલા સમુહલગ્ન પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઇ વઘાસિયાએ જણાવ્યુ ંહતું કે, જુનાગઢ યાત્રાધામ હોવાથી બહારથી મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. પરંતુ અહીના રેલ્વે સ્ટેશને રીટાયરીંગ રૂમની યોગ્ય સુવિધા નથી. રીટાયરીંગની અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવે તો અનેક યાત્રિકોને રહેવાની સારી સુવિધા પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ મુદ્દાની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

જૂનાગઢ કે સોમનાથથી હાલ ઉત્તર ભારતમાં આવેલા યાત્રાધામો તથા દેશની રાજધાની દિલ્હીને જોડતી કોઇ સીધી ટ્રેન નથી. જેને લીધે મુસાફરોને રાજકોટ, અમદાવાદ જેવા શહેરોથી ટ્રેન બદલવાની ફરજ પડે છે. દિલ્હી કે ઉત્તર ભારતના યાત્રાધામોની ઘણી ટ્રેન અમદાવાદ ખાતેથી ઉપડે છે. તેને જૂનાગઢ સુધી લંબાવી દેવામાં આવે તો લોકોને વગર ખર્ચે નવી સુવિધા આપી શકાય તેમ છે. આ ઉપરાંત જૂનાગઢમાં જોષીપરા ઙ્ગરેલ્વે ફાટક થાતે ઓવરબ્રીજ બનાવવા, શહેરમાં મુખ્ય માર્ગો પર આવેલા રેલ્વે ફાટકો પહોળા કરીને ટ્રાફિક સમસ્યા હલ કરવા, બસસ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન વચ્ચેનો બારેમાસ બિસ્માર રહેતો રસ્તો નવો, મજબૂત અને પહોળો કરવા જેવા મુદ્દાઓ પણ બેઠકમાં રજુ કરીને ચર્ચા કરવામાં આવશે. કમિટીના તમામ સભ્યો સાથે મળીને પ્રજાના આવા વિવિધ પ્રશ્નો હલ કરવાના પ્રયાસો કરશે. તેવો નિર્ધાર હરસુખભાઇ વઘાસિયાએ વ્યકત કર્યો હતો.

આ કમિટીમાં ભાવેશભાઇ વેકરિયા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, ડો.પાર્થ ગણાત્રા, રૂપલબેન લખલાણી, કિશોરભાઇ ચોટલીયા, જગદિશભાઇ ખિમાણી, હસમુખભાઇ ત્રિવેદી, વર્ષાબેન બોરીચાંગર, મનોજભાઇ સોલંકીની પણ સભ્યો તરીકે નિમણુંક કરવામાં આવી છે. નવા સભ્યોની સાથે ઘણા સભ્યોને તેની સારી કામગીરીને ધ્યાને લઇને બીજી ટર્મ માટે રિપીટ પણ કરવામાં આવ્યા છે. સ્ટેશન માસ્તર ભાર્ગવ દ્વારા બે નવા શેડનું ટૂંકાગાળામાં નિર્માણ કરાવીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમની કામગીરીને કમિટીના સભ્યો દ્વારા આવકારવામાં આવી છે.

(1:09 pm IST)