Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જામનગરના એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યાના કેસમાં બંને આરોપીની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

ખુલ્લી કોર્ટમાં સી.સી.ટી.વી. ફુટેજનું રેકોર્ડીંગ રજૂ કરાયું : જામીન રદ કરવા ૧૧ ઉચ્ચ અદાલતોના ચુકાદા રજૂ કરાયા : સ્પે. પી.પી. અનિલભાઇ દેસાઇની રજૂઆત કોર્ટે ગ્રાહ્ય રાખી જામીન અરજી નકારી

રાજકોટ, તા. ર૦ : જામનગરના એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યાના ચકચારી કેસના બે આરોપીઓ સાયમન લુઇસ અને અજય મહેતાએ જામીન પર છૂટવા કરેલ અરજીને જામનગરના અધિક સેસન્સ જજશ્રી હિંગુએ આજે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, કરોડોની જમીનના  વિવાદી પ્રકરણે જામનગરના એડવોકેટ કિરીટભાઇ જોષીની સરાજાહેર છરીના ઉપરાછાપરી ઘા મારીને ભાડુતી માણસો દ્વારા હત્યા થયેલ હતી.

આ બનાવ અંગે જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં બ્રહ્મસમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ ગુનામાં ઉપરોકત બંને આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા અરજી કરવામાં આવી હતી.

આ જામીન અરજીના વિરોધમાં સ્પે.પી.પી. અનિલભાઇ દેસાઇ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે, આરોપીઓ સામે પ્રથમ દર્શનીય હત્યાનો ગંભીર ગુનો છે. આ બનાવમાં હજુ અન્ય આરોપીઓ નાસતા ફરે છે. અમુક આરોપી વિદેશ નાસી ગયેલ છે. આરોપીઓને જામીન પર છોડી શકાય તેવો ગુનો ન હોય તેઓની જામીન અરજી રદ કરવી જોઇએ.

આ બનાવમાં જામનગરના ટાઉન હોલ જેવા ભરચક વિસ્તારમાં બનેલ હતો અને અ.ડ. કિરીટ જોષીની હત્યા માટે પ્રોફેશ્નલ કિલરોનેે મોટી રકમની સોપારી અપાયાનું બહાર આવેલ હતું.

આરોપીઓની જામીન અરજી રદ કરવા સ્પે. પી.પી. અનિલભાઇ દેસાઇ દ્વારા જુદી જુદી ઉચ્ચ અદાલતોના ૧૧ જેટલા ચૂકાદાઓ રજૂ કરીને જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી.

આ ઉપરાંત બનાવ જે જગ્યાએ બનેલ તેના સી.સી. ટી.વી. ફુટેજનો વિડીયો પોલીસે મેળવેલ હોય સ્પે. પી.પી. દ્વારા જામીન અરજીની સુનાવણી દરમ્યાન સી.સી. ટી.વી. ફુટેજનું ભરચક્ક કોર્ટમાં જે સીડી બનાવવામાં આવેલ તેનું રેકોર્ડીંગ પણ નિહાળવામાં આવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પોલીસે આ બનાવમાં કુલ પાંચ હજાર પાનાનું 'ચાર્જશીટ' કોર્ટમાં રજૂ કરેલ છે. જામનગરની લગભગ ૧૦૦ કરોડ જેવી અંદાજીત કિંમતી જમીનના મામલે આ હત્યા થયાનું બહાર આવેલ હતું.

આ કેસમાં ગુજરાત સરકાર દ્વારા સ્પે. પી.પી. તરીકે રાજકોટના એડવોકેટ અનિલભાઇ દેસાઇની નિમણૂંક કરવામાં આવી હતી. જેઓએ રજૂ કરેલ જજમેન્ટો તેમજ દલીલોને ધ્યાને લઇને જામનગરના એડી. સેસ. જજ શ્રી હિંગુએ ઉપરોકત બંને આરોપીની જામીન અરજી રદ કરી હતી.

(4:04 pm IST)
  • સેંકડો પીએસઆઈને રાહત : હવે ઈન્સપેકટરના પ્રમોશન મેળવી શકશે : રાજયના સેંકડો પોલીસ સબ ઈન્સ્પેકટરોને હાઈકોર્ટે મોટી રાહત આપી : પ્રમોશન આપવા ઉપર મૂકેલો સ્ટે હટાવી લીધો : ચુકાદાનો અમલ ૨ ઓકટોબરથી થશે : પ્રમોશનની પ્રક્રિયા હાઈકોર્ટના અંતિમ ચુકાદાને આધીનઃ હવે પીએસઆઈમાંથી પીઆઈ - ઈન્સ્પેકટરનું પ્રમોશન મેળવી શકાશે access_time 3:54 pm IST

  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST

  • અંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST