Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

આધ્યાત્મિક સ્થાનો પ્રાચીન ગૌરવને પુનર્જીવિત કરે છેઃ નરેન્દ્રભાઈ

આવનારી પેઢીને ધાર્મિક ઈતિહાસથી અવગત કરાશેઃ આસ્થાને આતંકથી કચડી શકાતુ નથી તેનુ ઉદાહરણ શ્રી સોમનાથ મંદિર છેઃ ટુરીઝમ ક્ષેત્રના વિકાસને વધુ ગતિ અપાશે : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણઃ અમિતભાઈ શાહ, લાલકૃષ્ણ અડવાણી, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, જવાહરભાઈ ચાવડા, જી. કિશન રેડ્ડી, શ્રીપદ યશોનાયક, વાસણભાઈ આહિર, રાજેશભાઈ ચુડાસમા સહિતનાની ઉપસ્થિતિ : ડિજીટલ દર્શનમાં પણ સોમનાથ આગળ છે, સોમનાથના વિકાસમાં ગુજરાત સદાય સહયોગ કરશેઃ વિજયભાઈ રૂપાણી : સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે તે રીતે ટ્રસ્ટ આગળ વધશે, અનેક આક્રમણ વચ્ચે પણ સોમનાથ દરેક વખત ભવ્યતાથી ઉભરી આવ્યું: અમિતભાઈ શાહ

તસ્વીરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથમાં અનેક વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ. આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, કેન્દ્રીય પ્રવાસન મંત્રી, જી. કિશન રેડ્ડી, કેન્દ્રમાં રાજ્યના ટુરીઝમ વિભાગના મંત્રી શ્રીપદ યશો નાયક અજય ભટ્ટ, જવાહરભાઇ ચાવડા, વાસણભાઇ આહિર, રાજેશભાઇ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણભાઈ લહેરી સહિતના જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(દિપક કક્કડ-દેવાભાઇ રાઠોડ-મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૨૦ : શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિકાસ કાર્યોનું બપોરે ૧૧ વાગ્યે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, કેન્દ્રીય પ્રવાસન મંત્રી, જી. કિશન રેડ્ડી, કેન્દ્રમાં રાજ્યના ટુરીઝમ વિભાગના મંત્રી શ્રીપદ યશો નાયક અજય ભટ્ટ, જવાહરભાઇ ચાવડા, વાસણભાઇ આહિર, રાજેશભાઇ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણભાઈ લહેરી સહિતના જોડાયા હતા.

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સમુદ્ર દર્શન વોક વે, અહલ્યા બાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે, નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે. ચારેય દિશામાં આવેલા ૧૨ જ્યોર્તિલિંગ, ચારધામ, શકિતપીઠો આ તમામ આસ્થાની જે રૂપરેખા છે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની અભિવ્યકિત છે. આતંકવાદી વિચારધારા ભલે કેટલાક સમય માટે હાવી થઇ જાય પરંતુ તેનું અસ્તિત્વ સ્થાયી નથી હોતું. ગુજરાતમાં પ્રસાદ સ્કીમ હેઠળ ૧૦૦ કરોડના ત્રણ પ્રોજેકટ હાલ ચાલી રહ્યાં છે. સોમનાથ ટૂરિસ્ટ સ્પોટને અન્ય શહેરો સાથે કનેકિટવિટી પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને યાદ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, હું ભલે વીડિયો કોન્ફરન્સથી જોડાયો હોવ પરંતુ મનથી સ્વયં ભગવાન સોમનાથના ચરણોમાં હોવાનો અનુભવ કરું છું. મારુ સૌભાગ્ય છેકે આ પૂણ્ય સ્થાનની સેવા કરવાનો અવસર મળ્યો છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણોમા નમન કરતા હું કહું છું કે ભારતના પ્રાચિન ગૌરવને પુનર્જિવિત કરવાની ઇચ્છાશકિત દર્શાવી હતી. સરદારે સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડી હતી.

પર્યટનથી આધુનિકતાના સંગમથી શું ફાયદો થાય છે એને ગુજરાતએ નજીકથી નિહાળી અનુભવ્યું છે. હવે સોમનાથમાં મહાદેવના દર્શન સાથે આજના ત્રણ વિકાસકામો થકી સમુદ્ર દર્શન પથ (વોક વે) અને સોમનાથના ભવ્ય ભૂતકાળની અનુભૂતિ કરી શકશે. સોમનાથ મ્યુઝિયમ થકી આવનારી પેઢીને ઇતિહાસથી અવગત કરાવાશે.

નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ કે, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છે અને સમય મુજબ આવતી પરિસ્થિતિને લડવાની હિંમત પણ શિવ જ આપે છે. સોમનાથ મંદિર હજારો વર્ષોથી પ્રેરણા આપી રહ્યું છે. આસ્થાને આંતકથી કચડી શકાતું નથી તેનું પ્રતીક સોમનાથ મંદિર છે. સોમનાથ મંદિરને નેસ્તનાબૂદ કરવા અનેકવાર હુમલાઓ થયા છે તેમ છતાં દર વખતે સોમનાથ મંદિર ફરી ઉભું થયું છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ૨૦૧૦થી વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. સોમનાથ મંદિર સ્વચ્છતાના મામલે ટોચ પર છે. સોમનાથની આરતીને ડિજીટલી સૌથી વધુ દર્શનાર્થીઓ જોવે છે. સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે તે રીતે ટ્રસ્ટ આગળ વધશે. અનેક આક્રમણ વચ્ચે પણ સોમનાથ દરેક વખત ભવ્યતાથી ઉભરી આવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે વડાપ્રધાને જે ઉચ્ચ લક્ષ્ય રાખ્યા છે, તેને પૂર્ણ કરવા આપણે બધા કટિબદ્ધ છીએ. ૨૦૧૦થી નરેન્દ્રભાઈ મોદીની નિયુકિત બાદ તેમણે સોમનાથના વિકાસને નવી દિશા અને દ્રષ્ટિ આપી છે. ડિજીટલ દર્શનમાં પણ સોમનાથ આગળ છે.સોમનાથના વિકાસમાં ગુજરાત સદાય સહયોગ કરશે.

આજે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવતા શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા ભાવિકોને નવી સુવિધાઓ મળશે તેમજ ભાવિકો દર્શનની સાથે સાથે આધ્યાત્મિકતા અને ટુરીઝમ ક્ષેત્ર વિશેની માહિતી મેળવશે.

(1:05 pm IST)