Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અમરેલી જીલ્લામાં મેઘમહેરથી પાકને સામાન્ય ફાયદો થશે : કામનાથ ડેમ છલકાયો

અમરેલી, તા. ર૦ :  જિલ્લામાં લાંબા સમય બાદ મેઘ વિરામ બાદ અચાનક વાતાવરણ પલટાતા ગઇકાલ દિવસભર ઉકળાટ બાદ સાંજના સમયે એકાએક મેઘરાજા મહેરબાન થયા હતા. તેથી અમરેલીમાં સાંજના સમયે સતત મેઘમહેર શરૂ રહી હતી અને મોડી રાત સુધી વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જયારે ઉપરવાસમાં વરસાદને કારણે ત્રણ હજાર કયુસેક પાણીની આવક થતા ઠેબી ડેમનાં બે દરવાજા ખોલવામાં આવ્યાં હતા. જયારે લીલીયામાં પોણા પાંચ ઇંચ વરસાદ થયો હતો. લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. જયારે અમરેલીનાં ચિતલમાં સાંજના સમયે ધોધ માર સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા નદીઓ વહેતી થઇ હતી અને લાઠીમાં  અડધો ઇંચ ચલાલા, વંડા, સાવરકુંડલા, દામનગર સહિતનાંગામોમાં પણ વરસાદનાં હળવા ભારે ઝાપટા પડયાં હતા. લાઠી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનાં હળવા ભારે ઝાપટા પડતા ઠંડક પ્રસરી ગઇ હતી. અમરેલી જિલ્લામાં મોડેમોડે પણ વરસાદ થતા મૌલાતને રાહત થશે તેથી ખેડૂતોમાં પણ નવી આશાનો સંચાર થયો હતો. અને વાતાવરણ ટાઢુ બોળ બની ગયું હતું.

અમરેલી શહેરમાં ધોધમાર સવા ચાર ઇંચ જેવો વરસાદ પડી જતા શહેરના માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. બજારમાં ખરીદીમાં નીકળેલા લોકોમાં પણ નાસ ભાગ મચી હતી. લીલીયા શહેરમાં સારો વરસાદ પડતા નાવલી નદીમાં નવા નીર વહેતા થયા હતા. બાબરામાં પોણો ઇંચ વરસાદ જયારે વંડા, સાવરકુંડલા, દામનગર, ચલાલા સહિતના ગામોમાં વરસાદના હળવા ભારે ઝાપટાઓ પડયા હતા. અને વરસાદ શરૂ થતા મુબરજાતી મોલાતને જીવતદાન મળશે.

સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયેલ છે. તાબાના ગિરધરવાવ, આંબરડી, પીઠવડી, જાબાળ, ઓળીયા, ભુવા, હાથસણી સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયેલ છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, કપાસ, મગફળી જેવા પાકોને નવજીવન મળશે. અમરેલીનાં નાના માચીયાળા ગામે સાંજના સમયે ધોધમાર પોણા પાંચ ઇંચ વરસાદ પડયો હતો. રાજુલામાં અડધો ઇંચ જયારે વડિયા, જાફરાબાદ, ખાંભા, બગસરામાં ઝાપટા પડયા હતા. અમરેલીનો ઠેબી ડેમના બે દરવાજા ખોલતા અમરેલીનો કામનાથ ડેમ છલકાયો છે.

(1:03 pm IST)