Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સલામત ગણાતી સરકારી બેન્ક એસ.બી.આઈ.ની સાવરકુંડલા શાખામાં શ્રમીકે એફ.ડી. કરાવેલા રૂપિયા બે લાખ કોઈ અન્ય ઉપાડી ગયું

ફિકસ ડિપોઝીટ ધારકો માટે લાલબત્તી સમાન કિસ્સો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૨૦ :. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાની બસ સ્ટેશન રોડ પરની શાખામાં શ્રમિક ખાતેદારની રૂપિયા એક લાખની પાકતી મુદતની ડિપોઝીટ રૂપિયા બે લાખ કોઈ શખ્સ ઉપાડી જતા શ્રમિક મહિલા ખાતેદારની મરણ મૂડી ચાંઉ થઈ જવા પામી છે. બેન્કમાંથી બે લાખ રૂપિયાની ગોલમાલને મળતી વિગતો મુજબ સાવરકુંડલાના જૂના પાવર હાઉસ પાસે રહેતા શ્રમિક વર્ગના મહિલા લાભુબેન બચુભાઈ મકવાણાએ પોતા પાસે રહેલી મરણ મૂડી સલામત ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાની સાવરકુંડલાની સ્ટેશન રોડ શાખામાં રૂ. એક લાખ ફિકસ ડિપોઝીટ સ્વરૂપે તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ ૯૧ માલની મુદતે જમા કરાવેલા જે રકમ તેની પાકતી તા. ૩૧-૧૦-૨૦૧૯ના રોજ ૯.૭૫ ટકાના વ્યાજદર મુજબ બે લાખ સાત હજાર છસ્સો સાંઈઠ રૂપિયા મળવાપાત્ર હતા. જેની બેન્કના જે તે વખતના અધિકારી દ્વારા રસીદ નં. ૧૦૯૪૪૮૩૬૬૫૧ થાપણદાર લાભુબેનને આપેલી નિયત મુદત પુરી થતા થાપણદાર મહિલા બેન્કમાં પોતાની મુકેલી રૂપિયા એક લાખની થાપણ ૯૧ માસ બાદ બમણી થઈ ગઈ હશેની હરખભેર આશા સાથે તે રકમ ઉપાડવા રસીદ રજૂ કરતા જ મહિલાના હોશ ઉડી ગયા હતા. રસીદ રજૂ કરતા જ બેન્ક કર્મચારીએ આ રકમ તો ચૂકવાઈ ગઈ છે નો જવાબ આપતા જ મહિલાના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હોય તેવો આંચકો લાગ્યો હતો. મહિલા દ્વારા બેન્ક અધિકારીને પોતા પાસે રહેલી અસલ રસીદ રજૂ કરી રજૂઆત કરી કે અમોએ રકમ ઉપાડી નથી. અસલ રસીદ અમારી પાસે છે તો અમારા નામે રસીદ વગર કોને નાણા ચુકવાય ગયા છે ? જો કે બેન્ક કર્મચારીઓએ મહિલાને કોઈ સંતોષકારક જવાબ ન આપતા લાભુબેન મકવાણાએ ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં પોતાની રજૂઆત કરી છે અને પોતા સાથે બેન્ક દ્વારા ચિટીંગ થયું હોય પોલીસ ફરીયાદ કરવા પણ કાનૂની સલાહ લઈ રહ્યા છે. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મહિલાની મરણ મૂડી પરત મળે તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.

સલામત ગણાતી સરકારી બેન્કમાં આ રીતે ફિકસ ડિપોઝીટની રકમ અસલ રસીદ વગર જ કોઈ ઉપાડી જતા ડીપોઝીટ ધારકો માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે.

(12:58 pm IST)