Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સવારે માંગરોળમાં અડધો ઇંચ વરસાદ : મેંદરડામાં ઝાપટા

જૂનાગઢ સહિત સોરઠમાં વરસાદી માહોલ

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨૦ : આજે સવારે માંગરોળમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો અને મેંદરડા વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા. ગઇકાલથી હળવાથી ભારે વરસાદની આગાહી હોય જૂનાગઢ સહિત સોરઠમાં આજે પણ બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા હતા અને સવારના ૬ થી ૮ના બે કલાકમાં માંગરોળ ખાતે ૧૧ મીમી વરસાદ નોંધાયો હતો.

મેઘરાજાના પુનરાગમનથી માંગરોળના ખેડૂતો સહિતના લોકોમાં ખુશી છવાઇ ગઇ છે. માંગરોળની સાથે મેંદરડા તાલુકામાં પણ સવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. જોકે અહીં માત્ર બે મીમી વરસાદ થયો હતો.

જૂનાગઢ સહિતના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ નથી પરંતુ મેઘાવી માહોલ છે.

(12:53 pm IST)