Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કોવિડ મેનેજમેન્ટમાં ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠઃ મનસુખભાઇ માંડવીયા

જન આર્શિવાદ યાત્રા અંતર્ગત આરોગ્ય મંત્રીની જુનાગઢમાં પત્રકાર પરિષદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. જુનાગઢમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી કે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું  પ્રદર્શન કોવીડ-૧૯ ના સંચાલનમાં શ્રેષ્ઠ રહ્યું છે. તેમણે કહયું કે દેશનું કદ અને આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે જોતાં અમે કોવિડ રોગચાળાને વધુ સારી રીતે સંચાલિત કરવામાં સફળ રહ્યા છીએ.

શ્રી માંડવીયાએ કહયું કે અમારી સરકારે હંમેશા કહ્યું છે કે આ સંકટ રાજનીતિનું કારણ ન બનવું જોઇએ. આ કટોકટીમાં કોઇ રાજકારણ ન હોવું જોઇએ. પીએમ મોદીએ એમ પણ કહયું છે કે જયારે ભારતના ૧૩૦ કરોડ લોકો એક પગલું આગળ વધે છે ત્યારે દેશ ૧૩૦ કરોડ પગલા આગળ વધે છે.

શ્રી માંડવીયાએ કહયું કે ભલે તે કોવિડની પ્રથમ લહેર હોય કે બીજી લહેર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખુદ સમગ્ર મામલાના સંચાલનમાં નેતૃત્વની ભૂમિકા ભજવી હતી અને તેમની સરકાર દ્વારા તેમણે સુનિશ્ચિત કર્યુ હતું કે આ વૈશ્વિક રોગચાળાથી ભારતમાં ઓછી અસર છે. ઓછું નુકસાન પહોંચાડે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહયું કે કોવિડના સંચાલન માટે મોદી સરકારે ચારેય મોરચે સંપૂર્ણ તકેદારી સાથે કામ કર્યુ નિવારણ, રાહત, વ્યવસ્થાપન અને રસીકરણ.

તેમણે કહ્યું કે કોવિડ મહામારીના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે લોકડાઉનનો આશરો લીધો અને લોકોને સાવચેતી રાખવા વારંવાર અપીલ કરી તે જ સમયે મોદી સરકારે આ રોગચાળાની ચપેટમાં રહેલા લોકોને વધુ સારી તબીબી સુવિધાઓ આપવાનું કામ પણ કર્યુ શ્રી માંડવીયાએ કહયું કે જયારે કોવિડ રોગચાળો આવ્યો ત્યારે આપણા દેશમાં વેન્ટિલેટરને પીપીઇ કિટસના ઉત્પાદન અંગે ઘણી સમસ્યાઓ હતી. પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં અમે દેશમાં મોટા પાયે તેમનું ઉત્પાદન શરૂ કર્યું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ માહિતી આપી કે દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન બે મહિનાની અંદર દસ ગણો વધારવામાં આવ્યું છે. તેમણે કહયું કે ૧૧ એપ્રિલ ર૦ર૧ ના રોજ દેશમાં આ ઇન્જેકશનની લગભગ ૩૩,૦૦૦ શીશીઓ ઉત્પન્ન થઇ રહી હતી, મે મહિનાના છેલ્લા સપ્તાહ સુધીમાં તેને વધારીને દરરોજ આશરે ૩.પ લાખ કરવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું કે મોદી સરકારે ૧પ૭૩ ઓકિસજન પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે.

તેમણે કહયું કે ભવિષ્યમાં કોઇપણ પડકારનો સામનો કરવા અને આરોગ્ય સેવાઓને વધુ મજબુત બનાવવા માટે અમે ર૩૦૦૦ કરોડનું ઇમરજન્સી કોવિડ ૧૯ પેેકેજ તૈયાર કર્યુ છે.

શ્રી માંડવીયાએ કહયું કે જો આપણે રાહત મોરચાની વાત કરીએ તો પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન  યોજના ચલાવીને દેશના લગભગ ૮૦ કરોડ લોકોને મફત અનાજ પહોંચાડવામાં આવ્યું હતું જેથી રોગચાળા દરમિયાન દેશમાં કોઇ વ્યકિત ભૂખ્યો ન સુવે. આ યોજના નવેમ્બર ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહયું કે મોદી સરકાર રસીકરણના મોરચે પણ ખૂબ અસરકારક રીતે કામ કરી રહી છે તેમણે કહયું કે ૧૮ ઓગસ્ટ ર૦ર૧ સુધી દેશભરમાં  પ૭ કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં આને વધુ વેગ આપવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે ૧૬ ઓગસ્ટના રોજ દેશભરમાં ૮૮ લાખથી વધુ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા હતાં. જે વિશ્વ રેકોર્ડ છે.

(12:51 pm IST)