Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

બંગાળી અને અવનવી મીઠાઇના ક્રેઝ વચ્ચે પણ ટંકારાના દૂધના પેંડાની ડિમાન્ડ

મિલાવટ નહિ જમાવટથી પેંડા વેચતા ટંકારાના મીઠાઇના વેપારી

ટંકારા તા. ૨૦ : સ્વાભાવિક રીતે જ તહેવાર આવે એટલે મીઠાઈની યાદ જરૂરથી આવે જ આજના સમયમાં બંગાળી અને બીજી અનેક મીઠાઈ બજારમાં મળે છે પરંતુ વર્ષો જુના પેંડાએ હજુ તેનું સ્થાન અકબંધ રાખ્યું છે ત્યારે ટંકારાના જૂની પેઢીના મીઠાઈવાળા આજે પણ મિલાવટ નહિ જમાવટના સૂત્ર સાથે પેંડા બનાવે છે અને માત્ર ટંકારા જ નહીં દૂર સુદૂર સુધી અહીંના પેંડા વખણાય છે.

મિલાવટના આજના સમયમાં દુધ બાળીને પેંડા બનાવવાની જૂની પદ્ઘતિ વિસરાઈ રહી છે પરંતુ ટંકારામાં દયાનંદ ચોકથી આગળ જૈન દેરાસર નીચે દુકાન ધરાવતા મનસુખ શેઠની દુકાનમાં આજે પણ પ્યોર દૂધમાંથી બનતા ઓછી ખાંડના પેંડાનો સ્વાદ લોકોને લલચાવી રહ્યો છે.

ખાસ કરીને ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવારમાં પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવવાની પરંપરામાં અહીં પેંડાની ડિમાન્ડ ખૂબ જ વધી જાય છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસમાં સાતમ આઠમના તહેવારો અને ઉપવાસ એકટાણામાં પણ શુધ્ધ અને સ્વાદિષ્ટ પેંડાની માંગ વધી જવા પામે છે.

હાલમાં કોરોના મહામારીની વિદાયના માહોલમાં રક્ષાબંધન, જન્માષ્ટમી તહેવારનું કાઉન્ટ ડાઉન શરૂ થતાં લોકોમાં તહેવાર ઉજવવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મીઠાઈ ફરસાણના વેપારીઓને પણ લાંબા સમય બાદ સાનુકૂળ ધંધો થવાની આશા જાગી છે. (તસ્વીર : જયેશ ભટ્ટાસણા - ટંકારા)

(3:54 pm IST)