Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

માંડવીયા-રૂપાલાની જન આર્શિવાદ યાત્રાનો બીજો દિ': અભૂતપૂર્વ જન સમર્થન

સૌરાષ્ટ્રમાં મનસુખભાઇ અને પરસોતમભાઇનું ભવ્ય સ્વાગત : આગેવાનો સંતો દ્વારા સન્માન

રાજકોટ તા. ર૦ : દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકામો લોકો સુધી પહંચાડવા માટે જન આર્શીવાદ યાત્રા શરૂ થઇ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાંથી કેન્દ્રીય કેબીનેટમાં પસંદગી પામેલા બેકેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને પરસોતમભાઇ રૂપાલાની જન આર્શીવાદ યાત્રા શરૂ થઇ છે. રાજકોટથી ભાવનગર અને ઉંઝાથીઅમરેલી સુધીના પ્રવાસમાં બંને મંત્રીનું સ્વાગત, સભા સહીતના કાર્યક્રમો યોજાયા છે.

આ જન આર્શિવાદ યાત્રામાં બંને મંત્રીઓને અભૂતપૂર્વ જન સમર્થન મળ્યું છે.

ઉપલેટા

( ભરત દોશી દ્વારા )ઉપલેટા : શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશીર્વાદ યાત્રા સવારે રાજકોટ થી નીકળી ઉપલેટા ખાતે આવી પહોંચતા ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ફૂલ ગુચ્છોથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક સમાજને સાથે રાખીને દરેક સમાજને પ્રભુત્વ આપીને દરેક સમાજની સરાહના કરવામાં આવી છે ખાસ કરીને પાટીદાર સમાજને બધાએ પ્રકારે પુરતા પ્રમાણમા પ્રભુત્વ આપવામાં આવી હોય. ભાજપ દરેક સમાજ માટે સારી કામગીરી કરી રહ્યું હોય. મનસુખભાઈ માંડવિયા દ્વારા જણાવાયુ હતુ કે ભાજપ સરકાર દ્વારા કોરોના મહામારીમાં લોકોને સહાય કરવામાં આવી તેમજ ખેડૂતો માટે પેકેજો જાહેર કરવામાં આવ્યા વગેરે જેવી બાબતો વર્ણવામાં આવી હતી. ઉપલેટા શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો તેમજ ખાસ કરીને લેઉવા અને કડવા પટેલ સમાજના પ્રમુખો અગ્રણીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખભાઈ માંડવિયાને મળવા માટે આગેવાનોની સાથે ૩૨ જેટલા શહેરના ડોકટરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સાંસદ રમેશભાઈ ધડુક પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો આગેવાનો નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ સુધરાઈ સભ્યો સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી : મોરબી કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા કાલે મોડી રાત્રે મોરબીમાં આવી પહોંચી હતી મોડી રાત્રે મોરબી આવી પહોંચ્યા બાદ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યું હતું અને આજે સવારે ૮ વાગ્યે તેઓની જન આશીર્વાદ યાત્રા એ સર્કિટ હાઉસ ખાતેથી બાઈક અને કારના કાફલા સાથે પ્રસ્થાન કર્યું હતું. આ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.

 

કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાને લઈને મોરબીમાં આજના કાર્યક્રમોની મિનિટ ટુ મિનિટની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સર્કિટ હાઉસ ખાતેથી આ યાત્રા નીકળ્યા બાદ વોર્ડ નંબર ૪ માં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે નગરસેવકો સહિતના અગ્રણીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વોર્ડ નંબર-૨ માં આવેલ શકિત ચોક ખાતે સ્થાનિક નગરસેવકો અને અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું, નહેરુ ગેઇટ ચોકમાં વોર્ડ નંબર ૧, ૫ અને ૬ ના લોકો દ્વારા, તો શાક માર્કેટ યદુનંદન ગેઇટ પાસે વોર્ડ નંબર-૧૩ ના કાર્યકરો અને નગરસેવકો તેમજ રવાપર રોડ ઉપર શહેર ભાજપના કાર્યાલય ખાતે વોર્ડ નંબર-૭, ૧૧,૧૨ ના લોકો અને રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે વોર્ડ નંબર ૧૦ ના લોકો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદરો, નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે વોર્ડ નંબર ૯ ના લોકો દ્વારા ઉમળકાભેર મંત્રીશ્રી નું સ્વાગત કરાયું હતું

બાદમાં કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મ રૂપાલાએ વેકસીનેશન સ્થળની મુલાકાત, સંતોના આશીર્વાદ લઈ સામાજિક અને પ્રબુદ્ઘ નાગરિક સંમેલનમાં હાજરી આપી બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આ જન આશીર્વાદ યાત્રાને લઈને સ્થાનિક ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આયોજનમાં કયાંય કચાશ ન રહી જાય તે માટેની તમામ તકેદારી રાખવમાં આવી હતી તેમજ સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને સ્વાગત માટે શહેરનું એકપણ હોર્ડિંગ્સ બાકી રાખ્યું નહોતું. જિલ્લામાં આશરે ૪૦૦ જેટલા હોર્ડિંગ્સ લગાવામાં આવ્યા હતા. ત્રણ ચાર દિવસથી ભારે તૈયારી કરવામાં આવી રહી હતી. સ્વાગતના રૂટ ઉપર બેનર, ટેબલ સહિતની વ્યવસ્થા કરીને શાનદાર શણગાર કરવામાં આવ્યો છે. સભા સ્થળે યોગેશભાઈ ગઢવીએ લોકસાહિત્યની જમાવટ કરી હતી.

(11:51 am IST)