Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

લાં..બા સમય બાદ મેઘરાજાની પધરામણીથી વધુ વરસાદની આશા

ગઇકાલે અમરેલી, લીલીયા, ગોંડલ, દેરડીકુંભાજી, વિંછીયા પંથકમાં ઝાપટાથી ૪ ઇંચ વરસાદ વરસ્યા બાદ સવારથી મિશ્ર વાતાવરણ યથાવત

પ્રથમ અને બીજી તસ્વીરમાં લીલીયામાં વરસાદી પાણી તથા ત્રીજી અને ચોથી તસ્વીરમાં ગોંડલના વાસાવડમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટ તા. ૨૦ : કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે સાંજના સમયેઅમરેલી -કુકાવાવ -ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાંથી માંડીને ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદની પધરામણી થતા વધુ વરસાદની આશા બંધાઇ છે. સવારથી ધુપ-છાંવ યથાવત છે.

અમરેલીના પ્રતિનિધિ અરવિંદ નિર્મળે જણાવ્યું હતું કે અમરેલીમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું આ વરસાદ દોઢેક ઈંચ પડયો હોવાનું જાણવા મળ્યું છે આ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

ગોંડલના પ્રતિનિધિ નરેશ શેખલીયા એ જણાવ્યું હતું કે ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી માં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અમે આખો દિવસ ઉકળાટ બાદ વાદળા છવાયા હતા અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું આ વરસાદ દેરડી કુંભાજી ઉપરાંત રાણસીકી સુલતાનપુર સનાળી વિંજીવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો હતો.

ઘણા લાંબા સમય પછી વરસાદ વરસતા ખેડૂતોને સામાન્ય રાહત થઈ છે.જોકે હજુ કે સાર્વત્રિક વરસાદ ની લોકો રાહ જોઈ રહ્યા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના ગારીયાધાર માંદોઢ ઇંચ, મહુવામાં પોણો ઇંચ, તળાજામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. જયારે અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે.

ગોહિલવાડ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. જિલ્લામાં શ્રાવણી સરવડા થી માંડી અડધાથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગારિયાધારમાં ૩૬ મી.મી. મહુવામાં૧૯ મી.મી. તળાજામાં ૧૦ મી.મી., જેસરમાં ૬ મી.મી. પાલીતાણામાં ૪ મી.મી,. ભાવનગરમાં ૩ મી.મી. અને ઉમરારામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.હજુ પણ વરસાદી માહોલ જળવાયેલ છે.

અમરેલી

અમરેલી ના લીલીયામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. લીલીયા તાલુકામાં માત્ર ૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબકયો હતો, જયારે ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઇ છે સાથે જ લીલીયાની નાવલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે અને નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો હતો.

શીશક

રાજકોટ તાલુકાના કોટડાસાંગાણી નજીક આવેલા શીશક ગામે છેલ્લા એક કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો છે. ગઇકાલે રાત્રે ૧૧ વાગ્યે ધીમીધારે વરસાદ પડયો હોવાનું અકિલાના શ્રોતાએ જણાવ્યું હતું.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ પડયો હોય એવા વિંછીયા તથા તાલુકામાં ગઇકાલે મેઘ મહારાજા લાં..બા વિરામ બાદ બપોર બાદ અને રાત્રીના વરસતા મુરજાતી મોલાતને રાહત થઇ છે. વરસાદ આવતા ખેડૂતો સહિત સૌ માં આનંદ સાથે રાહતની લાગણી પ્રસરી જવા પામી છે. ગઇકાલે વિંછીયા તથા તાલુકા પંથકમાં અડધોથી એક ઇંચ વરસાદ પડી ગયો છે. વધુ વરસાદ આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

(11:50 am IST)