Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સોમનાથ ખાતે નિર્માણ પામી રહેલા શ્રી પાર્વતી મંદિરના દાતા ધામેલીયા પરિવાર વિજયભાઇની મુલાકાતે

રૂ. ૩૦ કરોડના ખર્ચે સોમનાથ પરિસરમાં બની રહ્યું છે શ્રી પાર્વતી માતાનું મંદિર

વેરાવળ-પ્રભાસ પાટણ તા ૨૦: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થઈ રહેલા શ્રી પાર્વતી મંદિર અને તેના બાંધકામ વિશેષતા સહિતની માહિતી મેળવી હતી.

સોમનાથ મંદિર પ્રાંગણમાં રૂ. ૩૦ કરોડના ખર્ચે શ્રી પાર્વતી મંદિર બાંધવામાં આવી રહ્યું છે. આ મંદિર નિર્માણના દાતા શ્રી ભીખુભાઈ કેશુભાઈ ધામેલીયા અને પરિવારના સદસ્યોએ સોમનાથ ખાતે પધારેલા મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી અને મંદિર નિર્માણની વિશેષતાઓની માહિતી આપી હતી. આ મંદિર અંબાજીના આરસથી બાંધવામાં આવશે મંદિરનું શિખર ૭૧ ફૂટનું અને અલગ-અલગ ૪૪ સ્તંભ કોતરણી સાથે નૃત્ય મંડપ પણ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ બનનાર મંદિરની પ્રતિકૃતિ પણ નિહાળી હતી.

આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૨૦ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર અને પરિસર વિસ્તારમાં વિકાસલક્ષી અને યાત્રિકોની સુવિધા લક્ષી વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ ખાતમુહુર્ત થવા જઈ રહ્યું છે, આ પ્રસંગે સહભાગી થવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સોમનાથમાં છે.

(11:49 am IST)