Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ઉપલેટામાં જન આશિર્વાદ યાત્રા આવે તે પહેલા કોંગ્રેસ - સામ્યવાદીના આગેવાનો નજર કેદ

આગેવાનોને નજર કેદ કરવાની ભાજપની નીતિ તેઓને લોકોની બીક છે : કૃષ્ણકાંત ચોટાઇ

ઉપલેટા તા. ૨૦ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની આગેવાનીમા રાજકોટ થી જન આશિર્વાદ યાત્રા નીકળીને ઉપલેટા પહોંચે એ પહેલા કોંગ્રેસ અને આપ પાર્ટીના આગેવાનોને નજર કેદ કરી તેમની ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવલ હતો.

સાંજે પાંચ વાગ્યે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર ખાતે રાખેલ સ્ટેજ કાર્યક્રમમાં કોંગ્રેસ આપ કે સામ્યવાદી પક્ષના કાર્યકરો આવીને ધમાલ કરશે એવી દહેશતથી શહેર કોંગ્રેસના પ્રમુખ કષ્ણકાંત ચોટાઈ, ઉપપ્રમુખ લખમણભાઈ ભોપાળા, સામ્યવાદી આગેવાન ડાયાભાઈ ગજેરા આપ પાર્ટીના કાર્યકર અમૃતભાઈ ગજેરા સહિતના આગેવાનો ઉપર પોલીસ પહેરો બેસાડી તેમને નજરકેદ કરી લેવામાં આવેલ હતા.

આ નજર કેદ અંગે પ્રત્યાઘાત આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ જણાવેલ હતુ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો લોકોની બીક ભાળી ગયેલ છે લોકો ભા.જ.પ ના શાશનથી નારાજ છે. આ નારાજગી દર્શાવવા લોકો સ્ટેજ કાર્યક્રમમાં આવીને બબાલ ન કરે તે માટે અમોને નજર કેદ કરવામાં આવેલ છે વધુમા તેઓએ જણાવેલ હતુ કે ભા.જ.પ સરકાર પોલીસ તંત્રનો ખુલ્લેઆમ દુર ઉપયોગ કરે છે.

થોડા દિવસો પહેલા કોંગ્રેસ પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રેલીની મંજુરી માંગેલ પણ મંજુરી તો ન આપી અને અમારા ધારાસભ્ય અને આગેવાનીની અટકાયત કરવામા આવેલ ધરણા સ્થળે ઉભો કરેલ મંડપ પાડી નાખેલ જે આજ ભા.જ.પ ના પ્રધાનો ઉપલેટામાં આવીને ફકત સ્ટેજ પોગ્રામ ખાનગી જગ્યામાં કરવાના છે છતાં અમને નજરકેદ કરી અમારી વ્યકિતગત સ્વતંત્રતા ભા.જ.પ ને ઈશારે છીનવી છે આજ બતાવે છે ભાજપને લોકોની બીક લાગવા લાગે છે.

(11:39 am IST)