Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોટી પાનેલી યા હુસેનના નારા સાથે કલાત્મક વિશાળ તાજીયા સાદગી સાથે પડમાં આવ્યા

કરબલાએ શહિદોને હિન્દુ - મુસ્લિમ ભાઇઓ-બહેનોએ સલામી આપી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા. ૨૦ : કરબલાના તપતા રણમાં માનવતા, સત્ય અને અહિંસાને જીવંત રાખવા માટે ઇસ્લામ ધર્મના પયગમ્બર હઝરત મહમંદસાહેબના નવાસા હઝરત ઇમામ હુસેન અને તેના બોતેર સાથીદારોએ આપેલી કુરબાનીની અમર યાદમાં ઉજવવામાં આવતા મોહરમના પવિત્ર તહેવારની મોટી પાનેલીમાં પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ.

મોટી પાનેલીના મોહન નગર મસ્જિદ, મંધરાપા અને ગામની મુખ્ય મસ્જિદ ખાતે વિવિધ કમિટીઓ દ્વારા મહોરમના દસ દિવસના ઉત્સાહ પૂર્વકના આયોજનમા કરબલાના શહીદોની અમર યાદમાં મજલિસ ન્યાઝનું આયોજન કરી હઝરત ઇમામ હુસેન અને તેના સાથીદારોની કુરબાની અને શહીદીની શોર્યગાથાના ગુણ મોલાના દ્વારા સમસ્ત મુસ્લિમ બિરાદરોને સમક્ષ રજૂ કરવામાં આવે છે. સાથેજ કમિટીઓ દ્વારા મુસ્લિમ વિસ્તારમાં સરબત પાણીના વિતરણ માટે સબીલો ઠેકઠેકાણે બનાવવામાં આવેલ સાથે દરરોજ અલગ અલગ પ્રસાદ પણ પીરસવામાં આવતો.

કમિટીના સભ્યો દ્વારા કલાત્મક ભવ્ય અને વિશાળ તાજીયા બનાવવામાં આવેલ જે આજરોજ સાદગી સાથે પડમાં આવેલ સરકારી ગાઈડ લાઈન અનુરૂપ તાજિયાને જુલુસ સ્વરૂપે ના કાઢતા માત્ર લોકોના દર્શન માટેજ પડમાં લયાવવામાં આવેલ તે પણ પૂરતા સોશિયલ ડિસ્ટન્સ અને કોવીડ ગાઈડ લાઈનની તકેદારી સાથે લોકોને દર્શન કરાવવામાં આવેલ. કલાત્મક તાજિયાના દર્શન અને હઝરત ઇમામ હુસેનની શહીદીને સલામ આપવા હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં પહોંચેલ. ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી સહિતના તમામ આગેવાનો એ તાજિયાના દર્શન કરી ઇમામ હુસેન સાહેબને યા હુસેન અમર રહોના નારા સાથે હિન્દૂ મુસ્લિમ એકતાના દર્શન કરાવેલ. સમગ્ર મુસ્લિમ સમાજે શહિદે કરબલાની યાદમાં યા હુસેન યા હુસેન ના નારા લગાવી મહોર્રમની ઉજવણી કરેલ હજારો હિન્દૂ ભાઈઓ બહેનો પણ તાજીયાના દર્શન કરવા પહોંચેલ. આ તકે ભાયાવદર પોલીસ તેમજ મોટી પાનેલી જમાદાર સહિતનો સ્ટાફ હાજર રહેલ. તમામ આગેવાનો વેપારીઓ પોલીસ સ્ટાફ સાથે સમસ્ત મુસ્લિમ જમાતનો સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ શોરાએ આભાર વ્યકત કરી કમિટીના સભ્યોના કાર્યને બિરદાવેલ હતી.

(11:36 am IST)