Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ટંકારાના ધારાસભ્ય કગથરાની આગેવાની હેઠળ મોરબી બસ સ્ટેન્ડમાં ચક્કાજામ

ગ્રામ્ય વિસ્તારની અનેક રૂટો કોરોના પછી ચાલુ જ ન કરાતા વિદ્યાર્થીઓ વિફર્યા : ચક્કાજામને પગલે ડેપો મેનેજરે યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

મોરબી : મોરબી એસટી તંત્ર રૂટો અનિયમિતતા અને વારંવાર રૂટ બંધ કરી દઈ સુવિધાઓ ખોરવી નાખવા માટે વર્ષોથી પંકાઈ ગયું છે. તેમાંય કોરોના કાળ પછી ગ્રામ્ય વિસ્તારની અનેક રૂટ ચાલુ ન કરતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને આજે મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે ટંકારાના ધારાસભ્યની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ ચક્કાજામ સર્જી દીધો હતો. જેના પગલે એસ.ટી. ડેપો મેનેજરે તાકીદે દોડી જઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે આજે ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને રવાપર જિલ્લા પંચાયતની સીટના સદસ્ય નયનભાઈ સહિતનાની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી દીધો હતો. જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો તથા વિદ્યાર્થીઓ એસટી બસ આડે બેસી બસ રોકો આંદોલન કર્યું હતું અને એસટી તંત્ર સામે બળાપો ઠાલવતા કહ્યું હતું કે, નસીતપર,રામપર ઉમિયાનગર અને ખીજડિયા, મહેન્દ્રનગર, ઘુંટુ, બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યાએ સ્ટોપેજ આપતો નથી. તેમજ અમુક જગ્યાની અનેક રૂટો કોરોના કાળ પછી ચાલુ કરવામાં આવી જ નથી. આથી વિદ્યાર્થીઓને નાછૂટકે મોરબી શાળામાં અબ્યાસ માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.
ખાનગી વાહનોમાં ભાડું વધુ હોય તેમજ અવરજવરમાં સમય પણ વધુ લાગે છે. તેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. આ બાબતે ટંકારાના ધારાસભ્યએ અગાઉ એસટી તંત્રને રજુઆત કરી હતી.તેમ છતાં ઉકેલ ન આવતા આજે ઘરણા અને બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સાથે રાખી ચારથી પાંચ બસ રોકવામાં આવી હતી. જેને પગલે એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ દોડી જઈને યોગ્ય કરવાની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો.

(10:50 pm IST)